પરેશ રાવલની પુત્રીનો રોલ: માનસી પારેખ રોમાંચિત

મુંબઈઃ અભિનેત્રી માનસી પારેખ પહેલી જ વાર પીઢ અભિનેતા પરેશ રાવલ સાથે ફિલ્મમાં ચમકશે. આ આગામી ગુજરાતી ફિલ્મનું નામ છે – ‘ડીયર ફાધર’. ફિલ્મ 4 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સ્વ. ઉત્તમ ગડા લિખિત ગુજરાતી નાટક ‘ડીયર ફાધર’ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં ચેતન ધાનાણી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ઉમંગ વ્યાસ દિગ્દર્શિત આ ફિલ્મને વીનસ વર્લ્ડવાઈડ એન્ટરટેનમેન્ટ કંપની પ્રોડ્યૂસ કરી રહી છે. સ્વરૂપ સંપત-રાવલ અને પ્રતિક કેવલ શાહ સહ-નિર્માતાઓ છે.

માનસીનું કહેવું છેઃ ‘પરેશજીએ મને ઘણા વખત પહેલાં આ રોલની ઓફર કરી હતી. પરંતુ એ વખતે હું એક ટેલિવિઝન શો કરતી હતી અને એક ગુજરાતી નાટકમાં પણ કામ કરતી હતી એટલે તે ઓફરનો સ્વીકાર કરી શકી નહોતી. ડેટ્સ આપી ન શકવાથી હું ખૂબ જ અપસેટ થઈ ગઈ હતી. તે છતાં અમુક વર્ષો બાદ પરેશજીએ મને ફરી ફોન કર્યો હતો અને મને પૂછ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાની મારી ઈચ્છા છે?  એ વખતે મેં તરત જ હા પાડી દીધી હતી. એમની સાથે કામ કરવાની મને હંમેશાં ઈચ્છા હતી. આમ, મારું સપનું સાકાર થયું છે. ‘ડીયર ફાધર’ ખૂબ જ ભાવનાત્મક ફિલ્મ છે અને એમાં મારું પાત્ર એમની સાથે કાયમ ઘર્ષણમાં રહે છે. પિતાનું પાત્ર પરેશજી ભજવી રહ્યા છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]