લંડનમાં કેન્સરની સફળ સર્જરી બાદ મુંબઈ પાછા ફર્યા એક્ટર ઈરફાન ખાન

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન લંડનથી ગયા શુક્રવારે મુંબઈ પાછાં ફર્યા હતા. એરપોર્ટ પર એ વ્હીલચેરમાં બેઠેલા નજરે પડ્યા હતા. એ કેન્સરની સારવાર માટે લગભગ એક વર્ષથી પણ વધારે સમયથી લંડનમાં હતા.

ઈરફાન એમની આગામી હિન્દી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના શૂટિંગ માટે લંડન ગયા હતા. ‘અંગ્રેજી મીડિયમ’ એમની હિટ નિવડેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે.

ઈરફાન ખાન એરપોર્ટ પર વ્હીલચેર પર બેઠા હતા અને ચહેરાને એમણે કાળા રંગના કપડાથી ઢાંકી રાખ્યો હતો. માથા પર એમણે સફેદ રંગની કેપ પહેરી હતી અને એનાથી પણ એ પોતાનો ચહેરો છુપાડવાનો પ્રયત્ન કરતા હતા. એ તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે અને એમના સ્વાસ્થ્ય વિશે તરેહતરેહની અટકળો થઈ રહી છે.

જોકે ઈરફાનના પ્રશંસકોને રાહત થાય એવા સમાચાર એ છે કે ઈરફાનના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે લંડનમાં ઈરફાનની સર્જરી સફળ રહી હતી. ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ સર્જરી કરવામાં આવી હતી.

નિવેદનમાં જણાવાયું છે કે ઈરફાન ખાનને મુંબઈ ઘર ખૂબ યાદ આવતું હતું. એ થોડાક દિવસ માટે અને સાજા થવા માટે મુંબઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈરફાનને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરનું નિદાન થયું હતું, જે ભાગ્યે જ થતું એક પ્રકારનું કેન્સર છે.

‘અંગ્રેજી મીડિયમ’માં કરીના કપૂર-ખાનની પણ ભૂમિકા છે.