મુંબઈ – રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું લોકપ્રિય ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઈને જાણીતી થયેલી મહિલા રાનૂ મંડલની ગાયકીની કળા વિશે મહાન, દંતકથા સમાન અને ભારત રત્નથી સમ્માનિત પાર્શ્વગાયિકા લતા મંગેશકરે પહેલી વાર પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે.
લતાજીએ કહ્યું છે કે ક્યારેય પણ નકલ કરીને આગળ વધી શકાતું નથી અને નકલ કરીને મળેલી સફળતા પણ આંશિક હોય છે.
લતા મંગેશકરે દેખીતી રીતે રાનૂને આ મોટી સલાહ આપી છે.
લતાજીએ સમાચાર એજન્સી આઈએએનએસને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે જો મારાં નામ અને મારાં કામથી કોઈનું થોડુંક પણ ભલું થતું હોય તો હું સ્વયંને ભાગ્યશાળી માનીશ, પરંતુ એ પણ સત્ય છે કે તમે જીવનમાં ક્યારેય પણ નકલ કરીને આગળ વધી નહીં શકો.
લતાજીએ વધુમાં કહ્યું કે એવા ઘણાં લોકો છે જેઓ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે રફીસાહેબ (મોહમ્મદ રફી) અને મુકેશજીનાં ગીતો ગાય છે, પરંતુ અમુક સમય બાદ એ ભૂલાઈ જતાં હોય છે.
રાનૂ મંડલ વિશે લતાજીએ કહ્યું કે ટીવી શોમાં પણ ઘણા બાળકો સરસ ગાય છે, પરંતુ શું એમને લોકો યાદ રાખે છે ખરા? હું માત્ર સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલને જ જાણું છું.
લતાજીએ કહ્યું કે જીવનમાં આગળ વધવા માટે કોઈનો સહારો લેવો ન જોઈએ, પરંતુ કાયમ ઓરિજિનલ જ રહેવું જોઈએ. તમે બીજાંએ ગાયેલાં ગીતો જરૂર ગાઓ, પરંતુ સ્વયંની ઓળખ પણ બનાવો.
લતાજીએ એમનાં ગાયિકા બહેન આશા ભોસલેનું જ ઉદાહરણ આપતાં કહ્યું કે જો આશાએ પોતાની આગવી શૈલીમાં ગાવાની કોશિશ કરી ન હોત તો આજે એ પણ પોતાનાં નામથી નહીં, પરંતુ લતાનાં નામથી જાણીતી થઈ હોત.
રાનૂ મંડલનો એક વિડિયો બહુ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ત્યારબાદ એને ગીત ગાવાની ઘણી ઓફરો મળી છે. બોલીવૂડ ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ પોતાની એક આગામી ફિલ્મ માટે રાનૂ પાસે બે ગીત રેકોર્ડ કરાવ્યાં છે – તેરી મેરી કહાની અને આશિકી મેં તેરી. આ ગીત ગાતી રાનૂનાં વિડિયો વાયરલ થયાં છે.