આગ્રાઃ દિલ્હીની સફદરજંગ હોસ્પટલમાં એસિડ એટેક સર્વાઇવર યુવતી જિંદગી અને મોતથી જંગ લડી રહી છે. તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 16 લાખની જરૂર છે, ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તેનો જીવ બચાવવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ‘દીપિકા બાળા બચાવો’ ઝુંબેશ હેઠળ ઉદાર હાથે રૂ. 15 લાખનું દાન આપ્યું છે.
બાળા એક રિયલ-લાઇફની સ્ટાર છે, જે ‘કપિલ શર્મા શો’માં ભાગ લેવા ઉપરાંત મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘છપાક’માં જોવા મળી હતી. તેની બંને કિડની ફેલ થવાને કારણે તેની સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે. જે યેનકેનપ્રકારેણ ડાયાલિસિસ પર જીવી રહી છે.
એસિડ એટેક સર્વાઇવર હોવાને કારણે અને નબળી ઇમ્યુનિટીને લીધે તેના જીવને જોખમ છે. બાળાને હજી પણ આ ટ્રેજેડીમાંથી બહાર આવવા માટે વધુ આર્થિક મદદની જરૂર છે. છાવ ફાઉન્ડેશન એના માટે શક્ય એટલી મદદની માગ કરી રહી છે. ફાઉન્ડેશને ફંડ એકઠું કરવા ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ ‘મિલાપ’ પર ‘સેવ બાળા’ નામે કેમ્પેન શરૂ કર્યું છે.