OTT પર ફિલ્મ રિલીઝ કરવાને બહાને પ્રોડ્યુસર સાથે છેતરપિંડી

નવી દિલ્હીઃ બોલીવૂડના પ્રોડ્યુસર સાથે બે લોકોએ રૂ. 23 લાખની છેતરપિંડી કરી છે. હાલના સમયે દરેક પ્રોડ્યુસર ફિલ્મને OTT પર બતાડવા ઇચ્છે છે, પરંતુ આવામાં ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે. ફિલ્મ પ્રોડ્યુસર વિજય મૂલચંદાની છેતરપિંડીનો ભોગ બન્યા છે.

તેમની સાથે બે લોકોએ OTT પર તેમની ફિલ્મ રિલીઝ કરવાને નામે તેમની પાસેથી રૂ. 23 લાખ પડાવી લીધા છે. ફિલ્મનિર્માતાએ બંનેની સામે ફરિયાદ નોંધાવી છે. આ બે વ્યક્તિઓએ તેમને કહ્યું હતું કે તેઓ તેમની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરાવી દેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓની વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંનેનાં નામ અજય કનોજિયા અને અભય શંકર જણાવવામાં આવી રહ્યા છે. આ બંને જણે ફિલ્મનિર્માતાને ડિઝની પ્લસ હોટસ્ટારની ટીમનો ભાગ બતાવ્યા હતા.

ફિલ્મ પ્રોડ્યુસરના વકીલનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ વિજય મૂલચંદાની દુર્ભાગ્યથી આ બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ખુદને ડિઝની + હોટસ્ટારના કર્મચારી જણાવ્યા હતા. તેમણે OTTને નામે ઈમેઇલ ID પણ બનાવી રાખ્યું હતું. મારા ક્લાયન્ટ પાસેથી તેમની ફિલ્મ ‘ધ મિરાજ’ને OTT પર વેચવાનું ખોટાં વચન આપીને ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 23 લાખ તેમની પાસેથી પડાવ્યા હતા.

અંબોલી પોલીસે બંનેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં 420 (છેતરપિંડી) અને ITની કલમો પણ સામેલ છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે બંને વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધાવી છે, પણ હજી સુધી કોઈ ધરપકડ નથી, આગળની તપાસ જારી છે.