રાષ્ટ્રીય-એવોર્ડ-વિજેતા અભિનેત્રી સુરેખા સીકરીનાં નિધનથી અભિનયજગતમાં શોક

મુંબઈઃ ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર અભિનેત્રી અને ‘બાલિકા વધુ’ ટીવી સિરિયલમાં દાદીસાની ભૂમિકાથી જાણીતાં થયેલાં સુરેખા સિકરીનું 75 વર્ષની વયે આજે અહીં અવસાન થયું છે. સીકરી ઘણાં વખતથી બીમાર હતાં. એમને 2018માં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને 2020માં પેરેલિટીક સ્ટ્રોક આવ્યો હતો. એને કારણે એમનાં સ્વાસ્થ્યમાં બીજી તકલીફો ઊભી થઈ હતી.

સીકરીએ 1978માં એમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. એમની પહેલી ફિલ્મ હતી ‘કિસ્સા કુર્સી કા’. એમણે ફિલ્મો, ટીવી સિરિયલો અને રંગભૂમિના તખ્તા પર વિવિધ પ્રકારની ભૂમિકા કરી હતી. એમની અભિનય કારકિર્દી 40 વર્ષ લાંબી હતી. એમણે ‘તમસ’ ફિલ્મ (1988), ‘મમ્મો’ ફિલ્મ (1995) અને ‘બધાઈ હો’ ફિલ્મ (2018)માં કરેલાં અભિનય બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો હતો. ઉત્તર પ્રદેશમાં જન્મેલાં સુરેખા સીકરીનાં પિતા ભારતીય હવાઈ દળમાં હતાં અને માતા શિક્ષિકા હતાં. સુરેખા 1971માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. ‘બધાઈ હો’ ફિલ્મમાં સુરેખા સાથે કામ કરનાર કલાકારો – આયુષમાન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ તેમજ રણદીપ હુડા, મનોજ બાજપાઈ, બાલિકા વધુની અભિનેત્રી અવિકા ગોર, અભિનેત્રી દિવ્યા દત્તા, નિર્માતા અશોક પંડિત, અભિનેતા વત્સલ શેઠ સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ સુરેખા સીકરીનાં નિધન અંગે સોશિયલ મિડિયા પર દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. 2019માં 66મા રાષ્ટ્રીય પુરસ્કાર કાર્યક્રમ વખતે સુરેખા સીકરી બીમાર હતાં, તે છતાં વ્હીલચેર પર બેસીને પોતાનો એવોર્ડ સ્વીકારવા ગયાં હતાં.