મુંબઈઃ વિશ્વભરમાં કોરોના વાયરસે તબાહી મચાવી દીધી છે. લોકડાઉનને કારણે દરેક જણ પોતાના ઘરમાં બંધ છે અને કામકાજ ઠપ્પ છે. તો બોલીવૂડની પણ આ જ સ્થિતિ છે. બોલીવુડ સ્ટાર્સ ન તો ફિલ્મોનું શૂટિંગ કરી શકે છે અને ન તો કોઈ ફિલ્મ લોકડાઉનને લઈને રિલીઝ થઈ રહી છે. ફિલ્મ સમીક્ષકોનું માનીએ તો બોલીવૂડ પર કોરોના વાયરસ લોકડાઉનની સાઈડ ઈફેક્ટ જોવા મળી છે. બાકી ઈન્ડસ્ટ્રીની જેમ જ બોલીવૂડ પણ મંદીની ઝપટમાં આવી ગયું છે. સમીક્ષકોનું માનીએ તો માયાનગરી મુંબઈને આ ભારે સંકટમાંથી ઉભરતા આશરે બે વર્ષ જેટલો સમય લાગી જશે અને ત્યાં સુધી બોલીવૂડ સ્ટાર્સે પોતાની ધરખમ ફીમાં ઘટાડો કરવો પડશે.પ્રાપ્ત વિગતો અનુસાર, ફિલ્મ સમીક્ષક તરણ આદર્શનું કહેવું છે કે, બોલીવૂડમાં જલ્દી જ ફી કપાત શરુ થઈ જશે. ફિલ્મ બનાવવામાં એક આખી ટીમ હોય છે કે જેમને ફી આપવાની હોય છે. ફિલ્મના એક્ટર આમાં વધારે ફી લે છે અને આવનારા દિવસોમાં સિતારાઓની ફીમાં ઘટાડો થશે.
ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ કહ્યું કે, ફીમાં ઘટાડો કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. ફિલ્મોનો વ્યાપાર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને આવામાં બોલીવૂડ સ્ટાર્સની ફી ઘટાડ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી.
અક્ષય રાઠીનું કહેવું છે કે, મનોરંજન જગતને બચાવવા માટે કડક પગલા ભરવા પડશે. કોરોના વાયરસને લઈને નિર્માતાઓના ઘણા પૈસા ફસાયેલા છે. એક્ટર્સની ફીમાં ઘટાડાથી સ્થિતિ થોડી સામાન્ય કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન, અક્ષય કુમાર, વરુણ ધવન, રણબીર કપૂર, રણવીર સિંહ જેવા મોટા સ્ટાર્સ પોતાની એક ફિલ્મ માટે કરોડો રુપિયાની ફી લે છે. તો કંગના રણૌત, દીપિકા પદુકોણ જેવી હીરોઈનો પણ એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રુપિયાની ફી લે છે. તો આવામાં આ સ્ટાર્સને આગળ જતા પોતાની મોટી ફી સાથે કેટલાક વર્ષો સુધી કોમ્પ્રોમાઈઝ કરવું પડશે.