મુંબઈઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મ પાણીપતને લઈને થયેલી બબાલ બાદ હવે સમાચારો આવી રહ્યા છે કે વિવાદિત સીન હટાવવામાં આવી શકે છે. જો કે ફિલ્મ વિરુદ્ધ આંદોલન કરી રહેલા જાટ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પ્રોડ્યુસર-ડિરેક્ટર માફી નહી માંગે અને વિવાદિત દ્રશ્ય હટાવવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.
પાણીપત આમતો મરાઠાઓ અને અફઘાનિસ્તાન શાસક અહમદ શાહ અબ્દાલી વચ્ચેના યુદ્ધ પર બનેલી ફિલ્મ છે પરંતુ આ ફિલ્મે રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના જાટ લોકોને નારાજ કરી દીધા છે. હકીકતમાં, જાટ સમુદાય ફિલ્મમાં જાટ મહારાજા સૂરજમલને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે તેનાથી નારાજ છે. ફિલ્મના એક સીનમાં બતાવવામાં આવ્યું છે કે રાજા સૂરજમલ મરાઠાઓની મદદ કરવાના બદલામાં આગ્રાના કિલ્લાની માંગ કરે છે, જેને મરાઠા સેનાપતિ સદાશિવ રાવ ભાઉ નકારી કાઢે છે.
જાટ સમુદાયે આ સીન પર પોતાનો વિરોધ દર્શાવતા છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન શરુ કર્યું છે. રાજસ્થાનમાં ફિલ્મના વિરોધમાં આંદોલન કરી રહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંસ્થાપક અને સાંસદ હનુમાન બેનીવાલે પત્રકારોને જણાવ્યું કે, મહારાજા સૂરજમલને સોદાબાજી કરતા દેખાડવામાં આવ્યા છે જે અયોગ્ય છે. આનાથી તમામ હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. સત્યને અને તથ્યને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી પ્રોડ્યુસર-ડાયરેક્ટર માફી ન માંગે અને વિવાદિત સીન હટાવવામાં ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.