મુંબઈ – અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત કૌન બનેગા કરોડપતિની 11મી આવૃત્તિમાં રૂ. એક કરોડનું રોકડ ઈનામ જીતનાર પ્રથમ સ્પર્ધક બન્યા છે બિહારના સનોજ રાજ. એ જેહાનાબાદ જિલ્લાના ઢોંગરા ગામના રહેવાસી છે.
સનોજ રાજ રૂ. 7 કરોડના જેકપોટ ઈનામ માટેના સવાલનો જવાબ આપી શક્યા નહોતા, પરંતુ એક કરોડનું ઈનામ મળવાથી પોતે ખુશ છે એવું તેમણે કહ્યું.
એમણે કહ્યું કે આ ઈનામના એક કરોડ રૂપિયા એમના પિતાના છે, જે કિસાન છે. આ પૈસા એમને આપી દઈશ એવું હું નથી કહેતો, આ પૈસા એમના જ છે. મારા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે હું મારો અભ્યાસ પૂરો કરી શક્યો નહોતો.
25 વર્ષીય સનોજ રાજના માતા ગૃહિણી છે. સૌ સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં દાદા-દાદી, કાકા-કાકી, ભાઈઓ અને એક બહેનનો પણ સમાવેશ થાય છે.
કેબીસી શોમાં સનોજ રાજની સાથે એમના પિતા અને કાકા પણ આવ્યા હતા.
એક કરોડ રૂપિયાનું ઈનામ જીત્યા બાદ સનોજ રાજે એમના માતાને ફોન કર્યો હતો, જેમણે કહ્યું કે સનોજે કરેલી મહેનતનું આ એને ફળ મળ્યું છે.
સનોજ રાજને કરોડપતિ બનાવનાર સવાલ કયો હતો? અને એનો જવાબ કયો હતો?
આ સવાલ હતોઃ ‘ભારતના કયા ચીફ જસ્ટિસના પિતા ભારતના કોઈ એક રાજ્યના ક્યારેક મુખ્ય પ્રધાન બન્યા હતા?’ સનોજ રાજે જવાબ આપ્યો હતોઃ ‘જસ્ટિસ રંજન ગોગોઈ.’
એમનો જવાબ સાચો હતો. રંજન ગોગોઈ હાલમાં જ દેશના ચીફ જસ્ટિસ છે.
એમણે એમને આપવામાં આવેલી આખરી લાઈફલાઈનનો ઉપયોગ કરીને જવાબ આપ્યો હતો અને એ સાથે જ ઈનામ પણ જીત્યું હતું.
7 કરોડ રૂપિયાના જેકપોટ સવાલનો જવાબ પોતાને ખબર ન હોવાથી સનોજ રાજે ગેમ ક્વિટ કરી દીધી હતી અને એક કરોડ રૂપિયાનું ઈનામ લઈને રવાના થઈ ગયા હતા. જેકપોટ ઈનામવાળો સવાલ આ હતોઃ ‘ઓસ્ટ્રેલિયાના દંતકથા સમાન બેટ્સમેન ડોન બ્રેડમેને ભારતના કયા બોલરની બોલિંગમાં સિંગલ રન દોડીને એમની પ્રથમ કક્ષાની ક્રિકેટની 100મી સદી પૂરી કરી હતી?’
સનોજ રાજ હાલ દિલ્હીમાં રહે છે અને આઈએએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલાં એ દિલ્હીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરી ચૂક્યા છે.