‘જવાન’ની સીક્વલ આવશે: દિગ્દર્શક એટલીનું સમર્થન

ચેન્નાઈઃ શાહરૂખ ખાનને ડબલ રોલમાં ચમકાવતી ‘જવાન’ ફિલ્મ બોક્સ ઓફિસ પર હજી પણ ધૂમ મચાવી રહી છે. દુનિયાભરમાં ગઈ 7 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 750 કરોડની કમાણીના આંકને પાર કરી લીધો છે. શાહરૂખે અગાઉ સોશિયલ મિડિયા પર એક સવાલના જવાબમાં સંકેત આપ્યો હતો કે ‘જવાન’ની સીક્વલ આવી શકે છે.

હવે આ ફિલ્મના યુવા દિગ્દર્શક એટલીએ સમર્થન આપ્યું છે કે ‘જવાન’નો બીજો ભાગ આવશે. એટલીનું ખરું નામ છે અરૂણ કુમાર. મદુરાઈમાં જન્મેલા એટલી 36 વર્ષના છે. પિન્કવિલા પોર્ટલ સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘મેં મારી દરેક ફિલ્મમાં ખુલ્લો અંત બતાવ્યો છે અને આજ સુધી મેં ક્યારેય મારી કોઈ ફિલ્મની સીક્વલ બનાવવાનું વિચાર્યું નથી. તે છતાં, જવાનની બાબતમાં, જો મને કંઈક નક્કર વિષય મળશે તો એનો બીજો ભાગ બનાવીશ. જવાનની સીક્વલ બનાવવા વિશે મેં ખુલ્લું મન રાખ્યું છે. હું મોડા-વહેલો એનો બીજો ભાગ બનાવીશ. વિક્રમ રાઠોર મારો હિરો છે અને એના પરાક્રમોને હું આગળ વધારીશ.’

‘જવાન’ ફિલ્મમાં શાહરૂખ ખાને ભૂતપૂર્વ કમાન્ડો વિક્રમ રાઠોર અને એના જેલર પુત્ર આઝાદનો રોલ કર્યો છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત નયનતારા, વિજય સેતુપતી, દીપિકા પદુકોણ (નાનકડી ભૂમિકામાં), સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, સુનીલ ગ્રોવર, સંજીતા ભટ્ટાચાર્ય તથા અન્યો છે. ફિલ્મનું નિર્માણ શાહરૂખની પત્ની ગૌરી ખાને કર્યું છે. ગૌરવ વર્મા સહ-નિર્માતા છે.