નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં નાગરિકતા કાયદા અને એનઆરસી મુદ્દે ખૂબ વિરોધ થઈ રહ્યો છે. સામાન્ય માણસો, નેતાઓ સીવાય બોલીવુડ સેલેબ્સ પણ આ મામલે રિએક્શન આપી રહ્યા છે. આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી જાણિતા ડાયરેક્ટર-પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પણ નિશાને લીધા છે.
હકીકતમાં અમિતાભ બચ્ચને શુક્રવારના રોજ ટ્વીટ કર્યું કે, નવું વર્ષ આવવામાં થોડા જ દિવસ બાકી છે, વધારે મુંઝાવાની જરુર નથી, બસ 19-20 નો જ ફરક છે. અનુરાગ કશ્યપે અમિતાભના આ ટ્વીટને શેર કરતા એક લાંબુ ટ્વીટ કર્યું અને આમાં અમિતાભને સલાહ આપતા આને તાજેતરના મુદ્દા સાથે જોડી દીધું. અનુરાગે પોતાના ટ્વીટમાં લખ્યું કે, આ વખતે ફરક 19-20 નો નથી, આ વખતે ફરક બહુ મોટો છે. અત્યારે તમે કૃપા કરીને તમારી તબિયત સાચવો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જામિયા મિલિયા ઈસ્લામિયા અને એએમયૂમાં થયેલા વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ખૂબ હિંસા થઈ હતી અને કથિત રીતે પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે બર્બરતા આચરી હોવાના આરોપ લાગ્યા હતા. બાદમાં સ્વરા ભાસ્કર, સુશાંત સિંહ, ઋચા ચડ્ડા, ફરહાન અખ્તર, મહોમ્મદ જીશાન અય્યૂબ, તિગ્માંશુ ધૂલિયા, આલિયા ભટ્ટ, સૌરભ શુક્લા, દિયા મિર્ઝા, હંસલ મહેતા, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, પરિણીતિ ચોપડા, હુમા કુરેશી, નિમરત કૌર, મનોજ વાજપેયી, જેવા મોટા ફિલ્મ સ્ટારો નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં સામે આવ્યા હતા.