મુંબઈઃ ટાઈગર શ્રોફને એક્શન હિરો તરીકે ચમકાવતી અને હાલમાં જ રિલીઝ થયેલી ‘બાગી 3’ ફિલ્મના બોક્સ ઓફિસ પરના દેખાવથી એના દિગ્દર્શક એહમદ ખાન બહુ ખુશ છે.
ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘બાગી 3’ ફિલ્મે પહેલા જ સપ્તાહાંતે બોક્સ ઓફિસ પર રૂ. 53.83 કરોડની કમાણી કરી છે.
એક મુલાકાતમાં એહમદ ખાને કહ્યું કે લોકોને મારું દિગ્દર્શન ગમ્યું છે. ‘બાગી 2’ને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. એટલે મને હતું જ કે લોકો ‘બાગી 3’ને પણ જરૂર પસંદ કરશે.
ખાને વધુમાં કહ્યું કે, ફિલ્મમાં એક્શનનો આગ્રહ અને ટાઈગર શ્રોફના પાત્રની લોકપ્રિયતાને કારણે ‘બાગી’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ પણ સફળ થઈ છે. વળી, ફિલ્મનું એક્શન ફિલ્મની વાર્તા સાથે સરસ રીતે ભળી જાય છે. ટાઈગર શ્રોફનો ચાહકવર્ગ ખૂબ મોટો છે. તેથી આ ફિલ્મોની સફળતાનો શ્રેય ટાઈગરને જાય છે.
ટાઈગર શ્રોફ સાંકળતા એક્શન દ્રશ્યો તૈયાર કરવાના આવતા ત્યારે અમારી 80 ટકા ચિંતા દૂર થઈ જતી, કારણ કે એક્શન દ્રશ્યોને સફળ બનાવવા માટે ડબલ મહેનત કરતો હતો. આવા લોકો સાથે હોય તો કામ આસાન બની જાય.
શું તમે ‘બાગી 4’ પણ બનાવશો? એના જવાબમાં એહમદ ખાને કહ્યું કે આ ફિલ્મના માલિક સાજિદ નડિયાદવાલા છે. જો એ નક્કી કરશે તો અમે જરૂર ‘બાગી 4’ બનાવીશું. અમે આ ફ્રેન્ચાઈઝને ચોક્કસપણે જીવંત રાખીશું.
