‘અંગ્રેજી મિડિયમ’માં કરીના આક્રમક પોલીસ ઓફિસર નયના કોહલીનાં રોલમાં

મુંબઈ : ‘હિન્દી મિડિયમ’ની સીક્વલ ‘અંગ્રેજી મિડિયમ’ જોવા માટે દર્શકો આતુર છે. ફિલ્મના અભિનેતા ઈરફાન ખાને આ ફિલ્મમાં કરીના કપૂર-ખાનની ભૂમિકાની એક ઝલક સોશિયલ મિડિયા પર શેર કરી છે.

કરીના આ ફિલ્મમાં લંડન શહેરની આક્રમક પોલીસ ઓફિસર નયના કોહલી બની છે. કરીના પર ફિલ્માવાયેલા દ્રશ્યોનું એક ટીઝર ઈરફાને રિલીઝ કર્યું છે.

એક દ્રશ્યમાં કરીના એક જણને પેટમાં લાત મારતી જોઈ શકાય છે.

ઈરફાને એ તસવીરની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ઓફિસર નયના કોહલી મુકાબલા માટે આવી પહોંચી છે. એની સાથે ઝઘડવું સારું નથી. સંભાળજો… 4 દિવસ બાકી છે અંગ્રેજી મિડિયમ. 13 માર્ચ, 2020ના રોજ થિયેટરોમાં આવશે.’

એ ફિલ્મમાં ઈરફાન ખાન અને દીપક ડોબરિયાલના પાત્રોનો પીછો કરે છે.

કરીના આ પહેલી જ વાર ફિલ્મમાં પોલીસ અધિકારીનાં રોલમાં જોવા મળશે.

અંગ્રેજી મિડિયમનું દિગ્દર્શન હોમી અદાજનિયાએ કર્યું છે અને નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ 2017માં આવેલી ‘હિન્દી મિડિયમ’ની સીક્વલ છે. નવી ફિલ્મમાં રાધિકા માદન, ડિમ્પલ કાપડિયા, રણવીર શૌરી, પંકજ ત્રિપાઠી, કિકૂ શારદા, મનુ રિશી, ઝાકીર હુસેન, મેઘના મલિક, મનિષ ગાંધી જેવા અન્ય કલાકારો પણ છે.

આ ફિલ્મમાં એક પિતા અને એની પુત્રી વચ્ચે નિશ્ચલ પ્રેમની લાગણીસભર અને રમૂજપ્રેરિત વાર્તા છે.