ગણિકાઓ પર બનેલી ફિલ્મો અને વેબ સીરિઝ પર એક નજર..

બોલિવૂડમાં તમામ પ્રકારની ફિલ્મો બની છે, જેમાં ગણિકાઓ પર આધારિત ફિલ્મો લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. પાકીઝા, ઉમરાવ જાન, દેવદાસ, ગંગુબાઈ કાઠિયાવાડી જેવી અનેક ફિલ્મો છે જે આજે યાદ કરાય છે. હવે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની ઓટીટી પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી ધ ડાયમંડ બઝાર’ હાલ ચર્ચામાં છે. ત્યારે ચાલો ગણિકા પર આધારિત આધારિત ફિલ્મો અને વેબ સિરીઝ પર એક નજર કરીએ.

પાકિઝા

‘ચલતે ચલતે યૂ હી કોઈ મિલ ગયા થા’ આ ગીત ઓલ ટાઈમ હીટ છે. 1972માં આવેલી પાકિઝા ફિલ્મના આ ગીતમાં મીના કુમારીને જોઈને રાજકુમાર એક ગણિકા પર દીલ હારી બેઠા હતા. મીના કુમારીએ ફિલ્મ ‘પાકીઝા’માં ગણિકા સાહિબજાનની ભૂમિકા ભજવી હતી.

ઉમરાવ જાન

રેખાએ 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉમરાવ જાન’માં ગણિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ મુઝફ્ફર અલીએ ડિરેક્ટ કરી હતી. જેમાં મિર્ઝા હાદી રુસ્વા દ્વારા લખાયેલી નવલકથા ઉમરાવ જાન અદા પર આધારિત હતી. બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાએ આ ફિલ્મમાં લખનૌની ગણિકા ઉમરાવ જાનની ભૂમિકા ભજવી હતી. જેનું બાળપણનું નામ અમરીન હતું પરંતુ એક ઘટના બાદ તે મજબૂરીમાં ગણિકા બને છે.

મંડી

વર્ષ 1983માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન શ્યામ બેનેગલે કર્યું હતું. ફિલ્મમાં શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા અને ઓમપુરી જેવાં ખમતીધર કલાકારોએ દમદાર અભિનય કર્યો હતો.

દેવદાસ

માધુરી દીક્ષિતે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં ગણિકાનો રોલમાં કર્યો હતો. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ફિલ્મ દેવદાસને રિલીઝ થયાના વર્ષો પછી પણ લોકો પસંદ કરે છે. દેવદાસ અને પારો વચ્ચેની આ પ્રેમકથામાં ગણિકા ચંદ્રમુખીનો પ્રેમ જોવા જેવો હતો.

ગંગુબાઈ કાઠિયાવાડી  

ભણસાલીની અન્ય એક ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’  પણ ગણિકાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયાએ ગંગુબાઈની ગણિકાની ભૂમિકા ભજવી હતી. આલિયા ભટ્ટ અભિનીત ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ગંગાની સત્ય ઘટના પર આધારિત છે, જે ફિલ્મ સ્ટાર બનવા માટે ઘરેથી ભાગી જાય છે, પરંતુ એને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. એ ગણિકાઓને અઠવાડિયામાં એકવાર રજા આપવાની હિમાયત કરે છે. ગંગુબાઈ પાછળથી એ વેશ્યાલયની માલિક અને માફિયા રાણી બની જાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.

ચમેલી

2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચમેલી’માં કરીના કપૂર લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં એક વિધુર પુરુષ અને વેશ્યા વચ્ચેની મિત્રતાની કહાની હતી.

બેગમ જાન

આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી અને એમાં વિદ્યા બાલને ‘બેગમ જાન’નો રોલ કર્યો હતો. આ ફિલ્મ બેગમ જાન પર આધારિત હતી. ફિલ્મના અંતમાં પોતાની કોઠી છોડવાના બદલે ગણિકાઓ જોહર કરે છે.

ચાંદની બાર

આ ફિલ્મનું નિર્દેશન મધુર ભંડારકરે કર્યું છે, ફિલ્મમાં તબ્બુનાં અભિયનની ખૂબ પ્રશંસા થઈ હતી. પોતાના સંતાનોને આ બદીથી દૂર રાખવા મથતી માતા અંતે દીકરીને જાતે જ બારમાં ડાન્સ કરવા મોકલે છે. ફિલ્મમાં દમદાર અભિનય માટે તબુને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

હીરામંડી ધ ડાયમંડ બઝાર

મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સેહગલ અને સોનાક્ષી સિંહાએ 1 મેના રોજ OTT પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી ધ ડાયમંડ બઝાર’માં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ ગણિકાઓના જીવન પર આધારિત છે. જેમાં મનીષા કોઈરાલાએ મલ્લિકાજનનું પાત્ર ભજવ્યું છે, જેને હવેલીમાં રહેતા રાજઓ પણ ખુબ માન આપે છે. આ સિવાય અદિતિ રાવ હૈદરીએ મલ્લિકાજાનની દીકરી બિબ્બોજાનની ભૂમિકા ભજવી છે. સંજીદા શેખે મલ્લિકાજાનની નાની બહેન ફહિદાની ભૂમિકા ભજવી છે. રિચાએ લજ્જોની ભૂમિકા ભજવી છે, શર્મિન સહગલે આલમઝેબની ભૂમિકા ભજવી છે. આ સિરીઝમાં સોનાક્ષી સિંહાએ રેહાના આપા અને ફરદીનનું એમ બે પાત્રો ભજવ્યા છે. ફિલ્મમાં ગણિકાઓના રાજકારણથી પોતાનો એક્કો જમાવવા સગી બહેનને મારી નાખવાનું ષડયંત્ર દર્શાવ્યું છે. પરંતુ જ્યારે દેશની આઝાદીની વાત આવે છે, ત્યારે દુશ્મનમાંથી દોસ્ત બની બધી ગણિકાઓ એક થઈ જાય છે. પરંતુ એમના બલિદાનની ગાથા ક્યાંય ઉલ્લેખાઈ નથી.