EDએ મમતા બેનર્જી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ મમતા બેનર્જી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. આ મામલો EDના ત્રણ અધિકારીઓને ડરાવ્યા અને ધમકાવવાના આરોપો સાથે સંબંધિત છે.

EDએ શું કહ્યું?

EDનું કહેવું છે કે કોલકાતામાં તલાશી અભિયાન દરમિયાન ED અધિકારીઓને ગેરરીતિ રોકવામાં આવ્યા હતા, જેના વિરોધમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્ય મંત્રી વિરુદ્ધ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળમાં રહેલા EDના ત્રણ અધિકારીઓ તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં મમતા સહિત અનેક લોકો સામે ગંભીર આરોપો

કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મમતા બેનર્જી અને અન્ય અનેક લોકો સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને ડીજીપીએ તલાશી પ્રક્રિયામાં અડચણ ઊભી કરી હતી. અંદાજે 2742 કરોડ રૂપિયાના કોલસા કૌભાંડની તપાસ દરમિયાન 8 જાન્યુઆરીએ કરવામાં આવેલી તલાશીમાં અડચણ કરવાના આરોપે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી, ડીજીપી રાજીવ કુમાર અને સીપી મનોજ વર્મા સામે CBI દ્વારા FIR નોંધાવી તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને ડીજીપીએ બળજબરીથી પ્રવેશ કરીને તલાશીની કાર્યવાહી અટકાવી હતી. TMC સમર્થકોએ હાઈકોર્ટની કાર્યવાહી હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટની સુનાવણી પહેલાં વોટ્સએપ ગ્રુપ મારફતે TMC સમર્થકો દ્વારા આયોજનબદ્ધ હોબાળો કરવામાં આવ્યો હતો.

આ અરજીમાં વધુમાં જણાવાયું છે કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી પોલીસ કર્મચારીઓ સાથે પ્રતીક જૈનના નિવાસસ્થાને પ્રવેશ્યાં હતાં અને ED દ્વારા જપ્ત કરાયેલાં લેપટોપ, મોબાઇલ ફોન તથા દસ્તાવેજોને બળજબરીથી ટ્રકમાં ભરી લઈ જવામાં આવ્યાં હતાં.