સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 સેલિબ્રિટીઓ, યુટ્યુબર પર EDનો શિકંજો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) 29 સેલેબ્રિટીઓ, યુટ્યુબર્સ અને સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર્સ વિરુદ્ધ ગેરકાયદે સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતી ઇન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કરી છે. EDની આ કાર્યવાહી પછી મનોરંજન ઉદ્યોગમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે દક્ષિણ ભારતીય અભિનેતાઓ વિજય દેવરકોન્ડા, રાણા દગ્ગુબાટી, મંચુ લક્ષ્મી, પ્રકાશ રાજ, નિધી અગ્રવાલ અને શ્યામલાની આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી સાઇબરાબાદ પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIRને આધારે કરવામાં આવી છે.

આ કેસમાં બે ટેલિવિઝન હોસ્ટ પણ સામેલ છે. આ તપાસ હવે ફિલ્મ અને ટીવી ઉદ્યોગથી આગળ વધીને ડિજિટલ ક્રિએટર્સ સુધી પહોંચી છે. હર્ષ સાંઈ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓ અને લોકપ્રિય યુટ્યુબ ચેનલ ‘લોકલ બોય નાની’ના ક્રિએટર્સને પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓને શંકા છે કે આ વિજ્ઞાનાપન અભિયાન દ્વારા મોટી રકમની લેવડદેવડ થઈ છે, જે મની લોન્ડરિંગ સાથે જોડાયેલી હોવાની શક્યતા છે.

વિજય અને દગ્ગુબાટી તરફથી સ્પષ્ટતા

વિજય દેવરકોન્ડાએ પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે તેઓ માત્ર એક સ્કિલ આધારિત ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસડર હતા. તેમની ટીમે સુપ્રીમ કોર્ટના એ ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં રમીને કુશળતાનું રમત ગણાવવામાં આવ્યું છે અને તેને સંજોગ આધારિત જુગારથી અલગ ગણાવાયું છે.

તે જ રીતે રાણા દગ્ગુબાટીએ પણ તેમની કાનૂની ટીમ મારફતે નિવેદન આપ્યું હતું કે સ્કિલ બેઝ્ડ ગેમિંગ એપ સાથે તેમનો જોડાણ 2017માં જ સમાપ્ત થઈ ગયું હતું. તેમણે જણાવ્યુ કે બધી જ જાહેરાતો ફક્ત તે વિસ્તાર સુધી સીમિત હતી, જ્યાં આવી એપ કાયદેસર રીતે મંજૂર હતી અને તેમની કાયદેસર તપાસ પણ થઈ હતી.

પ્રકાશ રાજનું નિવેદન

અભિનેતા પ્રકાશ રાજે પણ સ્વીકાર્યું હતું કે તેમણે 2016માં જંગલી રમીનું સમર્થન કર્યું હતું, પરંતુ એક વર્ષમાં જ તેમણે તેમનો કરાર સમાપ્ત કરી દીધો હતો. તેમણે કહ્યું કે ટેક્નિકલ રીતે આ સમર્થન કાયદેસર હતું, પણ નૈતિક રીતે તેમને યોગ્ય લાગ્યું નહિ અને ત્યાર બાદથી તેમણે કોઈ પણ જુગાર સંબંધિત પ્લેટફોર્મનું સમર્થન કર્યું નથી.