જાપાનમાં ભૂકંપના આંચકા, સુનામીની ચેતવણી જાહેર

સોમવારે જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.9 હતી. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ દક્ષિણપશ્ચિમ જાપાનમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાવ્યો છે અને સુનામીની ચેતવણી જારી કરી છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે.

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે સોમવારે જાપાનના ક્યુશુ ક્ષેત્રમાં 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 37 કિલોમીટર (23 માઇલ) ની ઊંડાઈએ હતું. જાપાનમાં ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

દેશની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:19 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણપશ્ચિમ ટાપુ ક્યુશુ હતું. આ ટાપુ તેમજ આસપાસના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે.