ડૉ.અંજૂ શાઝો અને ડૉ.પાસ્કાલ શાઝોને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

MGIS ના ડિરેક્ટર ડૉ. અંજૂ શાઝો અને MGIS ના સ્થાપક ટ્રસ્ટી તથા ફ્રેન્ચ સિવિલ સર્વન્ટ ડૉ.પાસ્કાલ શાઝોને ફ્રાંસ સરકાર દ્વારા ફ્રાંસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે. જે અમદાવાદ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ (MGIS) બંને માટે ગૌરવભરી ક્ષણ છે. મુંબઈ ખાતેના ફ્રાંસના માનનીય કોન્સુલ જનરલ જૉ-માર્ક સેરે-શાર્લેએ અમદાવાદમાં આવેલા હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત સત્તાવાર પુરસ્કાર સમારંભ દરમિયાન આ બંને મહાનુભાવોને સન્માનિત કર્યા હતા. ડૉ. અંજૂ શાઝોને શવાલીયે દૉ લૉર્દ્ર દે પાલ્મ આકાદેમીકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જે ફ્રાંસની સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એનાયત થતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કારને એકેડેમિક્સ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડનારા નાગરિકોને સન્માનિત કરવા માટે વર્ષ 1806માં નેપોલીયન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો.

મુંબઈ ખાતેના ફ્રાંસના માનનીય કોન્સુલ જનરલ જૉ-માર્ક સેરે-શાર્લેએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચેના સંબંધો અસાધારણ છે. ફ્રાંસના માનનીય રાષ્ટ્રપ્રમુખે હાલમાં જ ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતની મુલાકાત લીધી હતી અને ગત વર્ષે ભારતના વડા પ્રધાને ફ્રાંસની મુલાકાત લીધી હતી, જે બંને દેશ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોનો પુરાવો છે. સંરક્ષણ, શસ્ત્રો અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો છે. જોકે બંને દેશના લોકો વચ્ચેના જોડાણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણના ક્ષેત્રમાં બંને દેશ વચ્ચે સહયોગ સાધવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ડૉ. અંજૂ અને ડૉ. પાસ્કાલએ તેમની વિશિષ્ટ સ્કુલ મારફતે આ મામલે ઘણી મોટી ભૂમિકા ભજવી છે, જ્યાં બાળકોને ફ્રેન્ચ ભાષા શીખવવામાં આવે છે અને અત્યાધુનિક શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેઓ ભારતમાં વસતાં ફ્રાંસના એવા નાગરિકો છે, જેઓ આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

ફ્રાંસના વડા પ્રધાન દ્વારા ડૉ.અંજુ શાઝોને ફ્રાંસ સરકારના વેપારી સલાહકાર તરીકે નામાંકિત કરવામાં આવ્યાં છે. આ હોદ્દા પર તેઓ બિઝનેસ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને તાલીમ જેવા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. UK, લંડનમાં આવેલી કિંગ્સ કૉલેજમાંથી શિક્ષણમાં ડૉક્ટરેટ થયેલા તેઓ શિક્ષકોની તાલીમમાં કુશળતા ધરાવે છે. તેમની પાસે બે ડિગ્રીઓ છે – એક ફ્રાંસની સ્ટ્રૉસબર્ગ યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અને બીજી ફ્રાંસમાં યુનિવર્સિટી ઑફ પેરિસમાંથી શિક્ષણના વિજ્ઞાનમાં માસ્ટર્સ ડિગ્રી. તેમને પ્રતિષ્ઠિત વિદ્વાનોને ફ્રાંસ ગણરાજ્ય દ્વારા એનાયત થતું મેડલ ઑદ્રે દે પાલ્મ્સ આકાદેમિક એનાયત કરવામાં આવ્યું છે. ડૉ.અંજૂને FICCI તરફથી શીરાઇઝ એવોર્ડ અને ભારતના ચૂંટણીપંચ તરફથી સિવિલ સોસાયટી એવોર્ડ (વર્ષ 2016) પણ પ્રાપ્ત થયો છે.

આ સન્માન અંગે પ્રતિક્રિયા આપતાં ડૉ. અંજૂ શાઝોએ જણાવ્યું હતું કે, એકેડેમિક્સ અને શિક્ષણના ક્ષેત્રમાં મારી સમગ્ર વિકાસયાત્રા દરમિયાન ફ્રાંસની સરકારે મારું ખૂબ જ સમર્થન કર્યું છે તથા ભણતર અને શિક્ષણમાં અમારા નવા યુગના અભિગમોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ભારત અને ફ્રાંસના વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાના, કૌશલ્ય વિકાસના કાર્યક્રમો તથા ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ફ્રાંસના બિઝનેસોને સુવિધા પૂરી પાડવાના મારા પ્રયાસોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આ પુરસ્કાર મારા માટે ખૂબ મોટું સન્માન છે અને અમારા પ્રયાસોનો પુરાવો પણ છે અને આથી પણ વિશેષ, શિક્ષણના ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવા તથા આ ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે તાલમેલ સ્થાપિત કરવા માટે અમને સોંપવામાં આવેલી એક જવાબદારી છે. આ વિકાસયાત્રા આવી જ રીતે આગળ વધતી રહેશે તેવી મને અપેક્ષા છે.

શિક્ષણ, સંસ્કૃતિ અને બિઝનેસના મોરચે ભારત અને ફ્રાંસ વચ્ચે સાધવામાં આવેલો સહયોગ અને બંને દેશ વચ્ચે થતું આદાનપ્રદાન ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ અને ભારતના માનનીય વડા પ્રધાન બંને દ્વારા ભારત અને ફ્રાંસની વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોની સાથે સુસંગત છે. ડૉ. પાસ્કાલ શાઝો શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહકારના ક્ષેત્રમાં 30 વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ફ્રાંસના સિવિલ સર્વન્ટ છે અને ફ્રાંસના રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલયમાં કેટેગરી A અધિકારી છે. યુનિવર્સિટી ઑફ પેરિસમાંથી સાઇકોલોજી ઑફ એજ્યુકેશનમાં પીએચડી થયેલા ડૉ.પાસ્કાલની થીસીસને યુનિવર્સિટી પેરિસ નોર્ડ તરફથી શ્રેષ્ઠ ડૉક્ટરલ રીસર્ચ બદલ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ ફ્રેન્ચ ઓવરસીઝ માટે ચૂંટાયેલા સંસદસભ્ય રહી ચૂક્યાં છે અને નેશનલ કમિશન ફૉર ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન ફ્રાંસના સભ્ય પણ રહી ચૂક્યાં છે. ત્યારબાદ તેમણે દક્ષિણ એશિયામાં વસતાં ફ્રાંસના નાગિરકો માટે ચૂંટાયેલા કોન્સુલર કાઉન્સિલર તરીકે સેવા આપી.

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા વખતે બચાવ કામગીરી માટે તેમણે કરેલા પ્રયાસો બદલ તેમને ફ્રાંસની સરકાર તરફથી પ્રેસિડેન્ટ્સ મેડલ ઑફ ઑનર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામના હસ્તે ભારતના ચૂંટણીપંચ તરફથી સિવિલ સોસાયટી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે વાત કરતાં ડૉ. પાસ્કાલ શાઝોએ જણાવ્યું હતું કે, મને આ સન્માન આપવા બદલ હું ફ્રાંસની સરકારનો ખૂબ આભારી છું. બદલાતા જતાં સમયમાં શિક્ષણમાં નવા મોરચાઓ શોધવા એ એક એવું મિશન છે, જેના માટે મેં મારી જાતને છેલ્લાં એક દાયકાથી પણ વધારે સમયથી સમર્પિત કરી દીધી છે. અમારા દરેક પ્રયાસોમાં ફ્રાંસની સરકારે અમને ખૂબ જ સપોર્ટ પૂરો પાડ્યો છે અને વાસ્તવમાં તો તેમણે અમને અમદાવાદમાં ભારત અને ફ્રાંસની વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાની એક સમૃદ્ધ સંસ્કૃતિ ઊભી કરવામાં ખૂબ જ મદદ કરી છે. આગામી વર્ષોમાં આ વારસો આગળ વધારવામાં આવે તેવી મારી હૃદયપૂર્વકની આશા છે.