દિવાળી પૂર્વે GSRTC કર્મચારીઓ માટે ખુશીના સમાચાર

દિવાળીના પ્રકાશ પર્વ પહેલાં રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) માં કાર્યરત લાખો કર્મચારીઓને મોટી આર્થિક ભેટ આપી છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેતા સરકારે મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) માં 2% નો સાનુકૂળ વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સરકારની આ જાહેરાત બાદ રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓમાં હર્ષ અને આનંદની લહેર ફરી વળી છે.

હવે 60% ના દરે મળશે મોંઘવારી ભથ્થું

નવા નિર્ણય અનુસાર, 2% ના વધારા બાદ હવે એસ.ટી. વિભાગના કર્મચારીઓને 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તહેવારોની મોસમમાં વધતી મોંઘવારી વચ્ચે સરકારનો આ નિર્ણય કર્મચારીઓ માટે ખૂબ જ આશ્વાસનરૂપ અને આર્થિક ટેકો આપનારો સાબિત થશે. DA વધારાના કારણે કર્મચારીઓના માસિક પગારમાં પ્રત્યક્ષ વધારો જોવા મળશે.

પગાર વધારા સાથે એરિયર્સની પણ થશે ચુકવણી

માત્ર મોંઘવારી ભથ્થામાં વધારો જ નહીં, પરંતુ સરકારે કર્મચારીઓને પાછલા સમયગાળાના વધારાના મોંઘવારી ભથ્થાની બાકી નીકળતી રકમ એટલે કે એરિયર્સ (Arrears) ચૂકવવાની પણ રોકડ જોગવાઈ કરી છે. તહેવારોના ટાણે જ આ નિર્ણય અમલમાં આવતા નિગમના ડ્રાઇવર, કંડક્ટર, ટેકનિકલ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓને મોટો આર્થિક લાભ થશે.