મુંબઈ: સુપરહિટ ફિલ્મ ‘હનુમાન’ બનાવ્યા બાદ હવે નિર્દેશક પ્રશાંત વર્મા દેશની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ ‘મહાકાલી’ હશે. પ્રશાંતની સિનેમેટિક યુનિવર્સની આ ત્રીજી ફિલ્મ હશે. તેની વાર્તા અને પટકથા બંને પ્રશાંત વર્મા લખશે. પૂજા અપર્ણા કોલ્લુરુ તેનું નિર્દેશન કરશે.
‘મહાકાલી’ બંગાળની સંસ્કૃતિ પર આધારિત હશે અને તેમાં કેટલાક આધુનિક તત્વોનો પણ સમાવેશ કરવામાં આવશે. તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં IMAX 3D ફોર્મેટમાં રિલીઝ થશે. ફિલ્મમાં મહાકાળીનું પાત્ર કોણ ભજવશે તે હજુ જાહેર થયું નથી.
જો કે, ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર જોયા બાદ ચાહકોનો અત્યારથી જ ઉત્સાહ વધી ગયો છે. પોસ્ટરમાં એક નાનકડી બાળકી દીપડાના માથા સાથે સ્પર્શ કરતી મળી રહી છે. પાછળ હાવડા બ્રિજ દેખાય છે. શાંતિની સાથે ચહેરા પર તેજ પણ જોવા મળે છે. આ સાથે એક મોશન પોસ્ટર પણ આવ્યું છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.
એક ચાહકે લખ્યું છે કે, ‘આ ફિલ્મ શાનદાર હશે. માતા કાલીની યાત્રા જોવા આતુર. બીજી કોમેન્ટ છે, ‘હવે થશે તાંડવ. હર હર મહાદેવ.’ અન્ય એક ચાહકે લખ્યું, ‘આખરે ભારતને તેની પહેલી મહિલા સુપરહીરો ફિલ્મ મળી.’
‘મહાકાલી’નું શૂટિંગ મોટા પાયે થશે
‘મહાકાલી’ની કાસ્ટ અને ટેકનિકલ ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ એક ભારતીય સુપરહીરો ફિલ્મ હોવાથી, દેખીતી રીતે જ તે મોટા પાયે શૂટ કરવામાં આવશે, અને તેમાં ઘણા બધા VFX હશે. પ્રશાંતની અગાઉની ફિલ્મ ‘હનુમાન’ તાજેતરમાં જ જાપાનમાં રિલીઝ થઈ હતી, અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રશાંતે 12 જાન્યુઆરી, 2024ના રોજ રીલિઝ થયેલી ‘હનુમાન’થી પોતાની સિનેમેટિક યુનિવર્સની શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રશાંતે તેની સિક્વલ ‘જય હનુમાન’ નામની જાહેરાત કરી. હવે આ બ્રહ્માંડની ત્રીજી ફિલ્મ ‘મહાકાલી’ હશે.