દિલ્હી પોલીસે ગીતા ફોગાટની કરી અટકાયત

દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળનો આજે 12મો દિવસ છે. બુધવારે મોડી રાત્રે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીઓએ તેમની સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સોમનાથ ભારતી પલંગ લઈને ધરણાં સ્થળ પર પહોંચ્યા, જ્યારે તેમને રોકવામાં આવ્યા તો કુસ્તીબાજોએ બોલાચાલી શરૂ કરી દીધી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડને લઈને કુસ્તીબાજો હડતાળ પર છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે.
ગીતા ફોગટ અને તેના પતિને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

ભારતની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. દિલ્હી પોલીસે ટિકરી બોર્ડર પર નાકા લગાવ્યા છે. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જંતર-મંતર પર કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલા લોકોને પોલીસ રોકી રહી છે. બુધવારે મોડી રાત્રે જંતર-મંતર પર થયેલા હંગામા બાદ અલગ-અલગ જગ્યાએથી લોકો કુસ્તીબાજોના સમર્થનમાં પહોંચી રહ્યા છે. ગીતા ફોગાટે ટ્વીટ કર્યું, “મને અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.” જોકે, પોલીસે તેમને કસ્ટડીમાં લેવાની વાત કરી છે.


સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનો આદેશ કર્યો 

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કુસ્તીબાજોની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં FIRની સ્થિતિ જણાવવી પડી. બ્રિજ ભૂષણ વતી હરીશ સાલ્વે દલીલો રજૂ કરી રહ્યા હતા, જ્યારે દિલ્હી પોલીસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલો કરી રહ્યા હતા. આ મામલે હરીશ સાલ્વેએ કહ્યું કે આ સમગ્ર મામલો રાજકીય છે. કોઈપણ આદેશ આપતા પહેલા બ્રિજ ભૂષણની બાજુ સાંભળવી જોઈએ. તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તમામ ફરિયાદીઓને કોઈ ખતરો નથી. અમે ફરિયાદની તપાસ કરી રહ્યા છીએ. દરેક વસ્તુની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

 

કુસ્તીબાજોના વકીલે કહ્યું કે દિલ્હી પોલીસ આ મામલે યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. આ પછી, કોર્ટે કહ્યું કે જે અરજી દાખલ કરવામાં આવી હતી, તેમાં એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી અને તેની નોંધણી સાથે, અરજીનો હેતુ પૂરો થઈ ગયો છે. ન્યાયાધીશોની બેન્ચે અરજદારોને વધુ રાહત માટે મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવાની અથવા અન્ય કોઈ ફરિયાદના કિસ્સામાં દિલ્હી હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાની સ્વતંત્રતા આપી હતી.

બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન સામે આવ્યું 

આ દરમિયાન રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે કુસ્તીબાજોના પ્રદર્શનને લઈને નવું નિવેદન જાહેર કર્યું છે. બ્રિજભૂષણે કહ્યું કે તેમની કોઈની સાથે દ્વેષ કે દુશ્મની નથી. તે સામાજિક કલ્યાણ અને ખેલાડીઓના ભવિષ્યને સુધારવા માટે કામ કરી રહ્યો છે. તે પોતાનું કામ કરવાનું ચાલુ રાખશે અને ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે.