દિલ્હીમાં AAP વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 12 નેતાઓના ઘરે દરોડા

દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં 12 થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર AAPના રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે EDના દરોડા ચાલુ છે. આ ઉપરાંત સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારના સ્થાન પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડો દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ પહેલા થયો હતો. આતિશી EDને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈડીએ મની લોન્ડરિંગના કયા કેસમાં દરોડા પાડ્યા છે. AAP નેતા આતિશીએ કહ્યું કે સાંભળવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીના PAના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ શું થઈ રહ્યું છે? અમને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે અમે ડરવાના નથી. આતિશીએ કહ્યું, કોર્ટે આ દેશમાં પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ધાકધમકી રોકવાનો આદેશ આપ્યો હતો. સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તપાસ કરવાની રહેશે તેમ જણાવાયું હતું. આ ચુકાદો EDને પણ લાગુ પડે છે.

લોકશાહીની હત્યા છેઃ સંજય રાઉત

શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આમ આદમી પાર્ટીના નેતાઓના ઘર પર EDના દરોડા પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘આ પણ લોકશાહીની હત્યા છે. દેશમાં કોઈ સરકાર વિરુદ્ધ બોલે તો ઈડી તેના ઘરે પહોંચી જાય છે. લોકશાહીની હત્યા માત્ર ચંદીગઢમાં જ નથી થઈ, સમગ્ર દેશમાં થઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવું બન્યું છે.સુપ્રીમ કોર્ટ લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે, પરંતુ લોકશાહી બચાવવા માટે કંઈ કહેતી નથી. તે શું કરી રહી છે?આ જનતાનો પ્રશ્ન છે.