યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી શાહરૂખ ખાન અને કાજોલની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના નામે વધુ એક સિદ્ધિ ઉમેરવા જઈ રહી છે. ડીડીએલજે હવે લંડનના લેસ્ટર સ્ક્વેરમાં પ્રતિમા સ્થાપિત કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનશે. ફિલ્મના એક દ્રશ્યમાંથી શાહરૂખ અને કાજોલની પ્રતિમા ‘સીન્સ ઇન ધ સ્ક્વેર’માં સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત હાર્ટ ઓફ લંડન બિઝનેસ એલાયન્સ દ્વારા કરવામાં આવી હતી. લેસ્ટર સ્ક્વેરમાં ‘સીન્સ ઇન ધ સ્ક્વેર’ ફિલ્મ ટ્રેઇલ પર હવે DDLJ ના રૂપમાં એક નવી પ્રતિમા દર્શાવવામાં આવશે. આ હિન્દી સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મના 30 વર્ષની ઉજવણીની શરૂઆત કરશે.
શાહરૂખ-કાજોલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
આદિત્ય ચોપરાના દિગ્દર્શન હેઠળની પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ પહેલાથી જ અનેક રેકોર્ડ અને એવોર્ડ ધરાવે છે. આ નવી પ્રતિમામાં ફિલ્મના મુખ્ય કલાકારો શાહરૂખ ખાન અને કાજોલની કાંસ્ય પ્રતિમા હશે જેમાં DDLJ ના એક દ્રશ્યનું ચિત્રણ કરવામાં આવશે. આ પ્રતિમાનું અનાવરણ આ વર્ષે જ કરવામાં આવશે. આ સિદ્ધિ હાંસલ કરતી ફિલ્મ દર્શાવે છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બ્રિટિશ દક્ષિણ એશિયનોમાં કેટલી લોકપ્રિય છે.
ફિલ્મના દ્રશ્યમાં લેસ્ટર સ્ક્વેર પણ બતાવવામાં આવ્યું છે
આ રોમેન્ટિક ફિલ્મ લંડનમાં રહેતા રાજ અને સિમરન નામના બે ભારતીયોની પ્રેમકથા કહે છે. જે યુરોપથી શરૂ થાય છે, પછી વાર્તા ભારત સુધી આવે છે. આ બંનેની પ્રેમ કહાની કિંગ્સ સ્ટેશન પર ટ્રેનમાં શરૂ થાય છે. આ ફિલ્મની સિદ્ધિને ચિહ્નિત કરવા માટે લેસ્ટર સ્ક્વેર કરતાં વધુ સારી જગ્યા કોઈ ન હોઈ શકે, કારણ કે તે ફિલ્મના એક દ્રશ્યમાં પણ બતાવવામાં આવ્યું છે.
આ દ્રશ્યમાં સ્કેવેરના બે સિનેમાઘરો બતાવવામાં આવ્યા છે. શાહરૂખ ખાનના પાત્ર રાજને વ્યુ સિનેમા પાસેથી પસાર થતો બતાવવામાં આવ્યો છે અને સિમરન ઓડિયન લેસ્ટર સ્ક્વેર પાસેથી પસાર થતી જોવા મળે છે. આ દ્રશ્યની યાદમાં આ નવી પ્રતિમા ઓડિયન સિનેમાની બહાર ટેરેસ પર મૂકવામાં આવશે.
બરાક ઓબામાએ પણ ભારત મુલાકાત દરમિયાન આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો
આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેમની ભારત મુલાકાત દરમિયાન આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. આ ફિલ્મ યુકેમાં ખૂબ જ લોકપ્રિય છે. DDLJ પર આધારિત એક નવું સંગીતમય નાટક “કમ ફોલ ઇન લવ – ધ DDLJ મ્યુઝિકલ” 29 મે 2025 ના રોજ માન્ચેસ્ટર ઓપેરા હાઉસ ખાતે રજૂ થવાનું છે.
શાહરૂખ-કાજોલનો સમાવેશ આંતરરાષ્ટ્રીય સિનેમાની હસ્તીઓમાં થશે
શાહરૂખ ખાન અને કાજોલ ‘સીન્સ ઇન ધ સ્ક્વેર’ માં છેલ્લા 100 વર્ષના દસ અન્ય ફિલ્મ આઇકોન સાથે આંતરરાષ્ટ્રીય સિનેમાની હસ્તીઓ સાથે જોડાશે. તે હેરી પોટર, લોરેલ અને હાર્ડી, બગ્સ બન્ની, સિંગિંગ ઇન ધ રેઇનના જીન કેલી, મેરી પોપિન્સ, મિસ્ટર બીન, પેડિંગ્ટન અને ડીસી સુપર-હીરો બેટમેન અને વન્ડર વુમન જેવા આઇકોનિક ફિલ્મ પાત્રો સાથે દેખાશે.
યશ રાજ ફિલ્મ્સે ખુશી વ્યક્ત કરી
આ પ્રસંગે બોલતા હાર્ટ ઓફ લંડન બિઝનેસ એલાયન્સના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ, માર્ક વિલિયમ્સે જણાવ્યું હતું કે, “અમને અમારા ટ્રેઇલમાં શાહરૂખ ખાન અને કાજોલનો સમાવેશ કરવાની તક મળી તે બદલ અમે ખૂબ જ રોમાંચિત છીએ, તેઓ આંતરરાષ્ટ્રીય સિનેમાના દિગગ્જ છે. અમે ટ્રેઇલ પર પ્રથમ ફિલ્મ લાવવા માટે ઉત્સાહિત છીએ જેમાં ખરેખર લેસ્ટર સ્ક્વેરને સ્થાન તરીકે દર્શાવવામાં આવ્યું છે.”
આ પ્રસંગે, યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધિએ જણાવ્યું હતું કે ‘સીન્સ ઇન ધ સ્ક્વેર’માં પ્રદર્શિત થનારી પહેલી ભારતીય ફિલ્મ બનવાનો અમને ખૂબ જ આનંદ છે. તે DDLJ ના 30 વર્ષ પૂર્ણ થવાના દિવસને પણ ચિહ્નિત કરે છે. અમને ગર્વ છે કે અમારા સુપરસ્ટાર અને ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે.
