બિહાર વિધાનસભામાં ‘બાપ’ શબ્દ પર વિવાદ

પટનાઃ બિહાર વિધાનસભામાં ‘બાપ’ શબ્દના ઉપયોગને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સ્થિતિ એવી બની કે સ્પીકર નંદકિશોર યાદવ પણ નારાજ થઈ ગયા અને વિપક્ષ તથા સત્તા પક્ષ બંને પર ગુસ્સે થઈને બહાર નીકળી ગયા હતા.  વિધાનસભામાં CM નીતીશકુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા. આ દરમિયાન RJDના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ બેસેલી સ્થિતિમાં કોઈને લઈને ‘બાપ’ શબ્દનો ઉપયોગ કર્યો, જેને લઈને બબાલ થઈ ગઈ.

સ્પીકરે ભાઈ વીરેન્દ્રને ફટકારતાં કહ્યું કે તેઓ ખેદ વ્યક્ત કરે. તે સાથે જ સત્તા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ ઊભા થઈ ગયા અને સત્તાપક્ષ-વિપક્ષ આમનેસામને આવી ગયા. સ્પીકરે તેજસ્વી યાદવને કહ્યું કે ભાઈ વીરેન્દ્રને પહેલા ખેદ વ્યક્ત કરવા કહો. ત્યાર બાદ તેજસ્વી ઊભા થયા.

CM નીતીશકુમાર શું બોલ્યા?
શું બોલી રહ્યા છો ભાઈ? શા માટે બોલી રહ્યા છો? જ્યારે તમારી ઉંમર ઓછી હતી ત્યારે તમારા માતા-પિતા CM હતાં. એ સમયેની સ્થિતિ ખબર છે? અમે તમને (મહાગઠબંધનને) છોડી દીધા કારણ કે તમે સારું કામ નથી કરતા. આ વર્ષે ચૂંટણી થવાની છે. લોકો વિચારશે કે શું કરવું. અમારી સરકારે ઘણું કામ કર્યું છે. ચૂંટણી માટે ઊલટી-સુલટી વાતો કરે છે એ લોકો. પહેલાં કોઈ મહિલાને કંઈ મળતું હતું? અમે મહિલાઓ માટે ઘણું કર્યું છે. RJDએ મુસ્લિમો માટે કંઈ કર્યું નહીં. અમે મુસ્લિમો માટે કામ કર્યું. તમે બાળક છો, તમને શું ખબર? પહેલાં પટનામાં લોકો સાંજે ઘરમાંથી બહાર નીકળતા ન હતા. અમે જે કામ કર્યા છે, એ લઈને જ પ્રજાજનો પાસે જઈશું.

તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમારો વિરોધ SIR વિરુદ્ધ નથી, પરંતુ ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ. હજુ સુધી ચૂંટણી પંચે કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી. જેમણે છેલ્લા બિહાર ચૂંટણીમાં મત આપ્યો, શું તેઓ ફેક છે? તો શું નીતીશ કુમાર પણ ખોટા રીતે CM બન્યા છે?