સાબરમતી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો બોટને લઈને વિચારણા

અમદાવાદઃ કોચી વોટર મેટ્રોની સફળતા પછી હવે દેશભરમાં 18 સ્થળોએ પર્યાવરણને અનુકૂળ આ નવા જળ પરિવહન મોડલ લાગુ કરવાની તૈયારી સરકાર કરી રહી છે, જેમાં સાબરમતી અને સુરતની તાપી નદીનો પણ સમાવેશ છે એમ કોચી મેટ્રો રેલ લિ.એ જણાવ્યું હતું.

હાલ સાબરમતીમાં વોટર મેટ્રો બોટને લઈને પણ વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ કાર્યક્રમ ભારત સરકાર પાસે રહેશે. આના માટે કેન્દ્ર સરકારના નિષ્ણાતોની ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025ના બજેટમાં સામેલ થવાની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ભારત સરકારે કોચી વોટર મેટ્રો બોટની સફળતાથી પ્રેરિત થયા બાદ અમદાવાદ-સુરત સહિત દેશના 18 શહેરોમાં આને લાગુ કરવાની દિશામાં વિચારણા શરૂ કરી છે. નદીની પશ્ચિમ બાજુ પર આવેલા વિસ્તારોમાં ગટર વ્યવસ્થાને વધારે અપગ્રેડ કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. આ સાથે ભારત સરકારે વોટર મેટ્રો બોટની કામગીરી કોચી મેટ્રો રેલ લિમિટેડને સોંપી દીધી છે. ભારત સરકારે અમદાવાદ, સુરત સહિત દેશના 18 શહેરોમાં વોટર મેટ્રો બોટ સિસ્ટમની સંભાવનાનાં મૂલ્યાંકન કરવા માટે શક્યતા છે કે નહીં એનો અભ્યાસ હાથ ધર્યોં છે.