CM ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટરની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં રહેતા શહેરીજનોને 32 સિટી સિવિક સેન્ટર્સની મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઈઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમય ગાળો રહે એટલુ જ નહિ. નગરપાલિકા વિષયક ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે “વન સ્ટોપ શોપ” તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2022-23માં નવી બાબત તરીકે આ સિટી સિવિક સેન્ટર્સનો વિચાર અમલી કરવામાં આવેલો છે. 22 નગરપાલિકાઓમાં પ્રથમ તબક્કે આવા સિટી સિવિક સેન્ટર કાર્યરત થયેલા છે. અને 2023-24ના વર્ષમાં બીજા તબક્કામાં વધુ 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે. સમગ્રતયા 93.76 કરોડના અંદાજીત ખર્ચે ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા આ સેન્ટર્સ કાર્યરત થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શૃંખલામાં બાલાસીનોર ખાતેથી 31 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર્સનો કાર્યારંભ કરાવ્યો હતો. આ સિટી સિવિક સેન્ટર્સ 44.05 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.