ઉત્તરાખંડમાં ખરાબ હવામાન અને સતત મુશળધાર વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રશાસને ચારધામ યાત્રાને 2 દિવસ માટે અટકાવી દીધી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓની જીવની સુરક્ષાને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર, શનિવાર બપોરથી રવિવાર સુધી યાત્રા સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે અને હવામાન સામાન્ય થયા બાદ જ તેને પુનઃ શરૂ કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા: ગઢવાલ કમિશનર
ગઢવાલ મંડળના કમિશનર આનંદ સ્વરૂપે તમામ જિલ્લા કલેક્ટરોને પોતપોતાના ક્ષેત્રોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓની સુરક્ષા એ શાસન-પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) અને રસ્તાઓ બંધ થવાનું જોખમ વધુ રહેતું હોવાથી પ્રશાસનને સતત વિજિલન્સ રાખવા અને કોઈપણ કટોકટીની સ્થિતિ સામે લડવા માટે એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઈ છે.

કયા જિલ્લામાં કેવું એલર્ટ જાહેર કરાયું?
26 September (શનિવાર) નું એલર્ટ:
Red Alert (5 જિલ્લા): બાગેશ્વર, પીથોરાગઢ, ચંપાવત, નૈનીતાલ અને ઉધમસિંઘ નગર.
Orange Alert: દેહરાદૂન, પૌડી, રુદ્રપ્રયાગ, ચમોલી અને અલમોડા.
Yellow Alert: હરિદ્વાર, ઉત્તરકાશી અને ટિહરી.
27 September (રવિવાર) નું એલર્ટ:
Red Alert (4 જિલ્લા): દેહરાદૂન, ટિહરી, પૌડી અને હરિદ્વાર.
Orange Alert: ઉત્તરકાશી, ચમોલી, નૈનીતાલ અને રુદ્રપ્રયાગ.
Yellow Alert: બાગેશ્વર, અલમોડા, ચંપાવત, ઉધમસિંઘ નગર અને પીથોરાગઢ.
હવામાન સુધર્યા બાદ જ લેવાશે યાત્રા શરૂ કરવાનો નિર્ણય
પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના વધી ગઈ છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાનમાં સુધારો આવ્યા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે જ ચારધામ યાત્રા ફરી શરૂ કરવાનો આખરી નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકાઈ રહેવા અપીલ કરવામાં આવી છે.






