લોકસભામાં બજેટ સત્ર પર ચર્ચા દરમિયાન પાર્ટીએ કોંગ્રેસ સાંસદ ચરણજીત સિંહ ચન્નીના ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અને સ્વતંત્ર સાંસદ અમૃતપાલ સિંહને લઈને આપેલા નિવેદનથી દૂરી લીધી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ચન્નીના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. જો કે કોંગ્રેસે ચન્નીના નિવેદનની નિંદા કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલને લઈને લોકસભામાં ચન્નીના નિવેદનથી કોંગ્રેસના ઘણા સાંસદો નારાજ હતા. આ પછી જ પાર્ટીએ ચન્નીના નિવેદનથી દૂરી લીધી છે.
સંસદમાં બજેટ સત્ર પર ચર્ચા દરમિયાન પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ખાલિસ્તાન તરફી ‘વારિસ પંજાબ દે’ ચીફ અને સ્વતંત્ર સાંસદ અમૃતપાલ સિંહના સમર્થનમાં ગૃહમાં નિવેદન આપ્યું હતું. જેમાં ચરણજીત સિંહ ચન્નીએ ખડુર સાહિબ લોકસભા સીટના સાંસદ અમૃતપાલ સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આપણે દરરોજ ઈમરજન્સીની વાત કરીએ છીએ, પરંતુ દેશમાં આજે અઘોષિત ઈમરજન્સીનું શું?
સાંસદ ચન્નીએ અમૃતપાલ સિંહનો ઉલ્લેખ કર્યો હતો
કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ વધુમાં કહ્યું કે આ પણ એક પ્રકારની કટોકટી છે જ્યારે પંજાબમાં 20 લાખ લોકો દ્વારા સાંસદ તરીકે ચૂંટાયેલા વ્યક્તિ (અમૃતપાલ સિંહ)ને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેના કારણે તેઓ પોતાના વિસ્તારના લોકોના મંતવ્યો ગૃહમાં રજૂ કરી શકતા નથી. આ પણ કટોકટી છે.