ગાંધીનગરમાં ‘ચલ મન મુંબઈ નગરી’ કાર્યક્રમમાં છવાયા મુંબઈના કવિ, લેખક અને કલાકારો

મુંબઈ: ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ ભાગ્યેશ જહાએ તથા મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવે એક અનોખી પહેલ કરી છે. એમણે ગાંધીનગરના મેઘાણી હૉલમાં મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તથા મુંબઈના કવિઓ ,પ્રોફેસર તથા કલાકારોને નિમંત્રણ આપીને ગુજરાતના ભાવકોને મુંબઈના સર્જનની ઝાંખી કરાવી હતી.

 

કાર્યક્રમની શરૂઆતમાં મંજાયેલા ગાયક તથા અભિનેતા જોની શાહે સરસ્વતી વંદના રજૂ કરી હતી. કવિ હિતેન આનંદપરાએ આ આયોજન માટે સંચાલન કર્યુ હતું. કવિ સંજય પંડ્યાએ મુંબઈની વિવિધ જગ્યાઓ વિશે વાત કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ એક વર્ષમાં 175 પુસ્તકો પ્રકાશિત કર્યાં એ માટે એમણે અકાદમીને અભિનંદન આપ્યા હતા.

કવિ ભાગ્યેશ જહાએ એમના સ્વાગત પ્રવચનમાં પ્રકૃતિની વાત કરી હતી.એમણે માતૃભાષાના પ્રસારની ખેવના દરેકે રાખવી જોઈએ અને યુવાનોને ભાષા અને સાહિત્યના કાર્યક્રમમાં સાથે રાખવા જોઈએ એની વાત કરી હતી. એક હજાર વર્ષ જૂની ગુજરાતી ભાષાને ટકાવવામાં ગુજરાતીઓ પાછાં પડ્તા હોવાની વાત તેમણે કરી હતી. મુંબઈના સર્જકો કેવી પરિસ્થિતિમાં ભાષાને જાળવીને લખી રહ્યાં છે એનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને મુંબઈના સાહિત્યને સાંકળતા કાર્યક્રમ તો ફક્ત શરૂઆત છે અને હવે પછી વધુ કાર્યક્રમો દ્વારા મુંબઈ અને ગુજરાત વચ્ચેનું અંતર ઓછું કરાશે.


મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે ‘ચલ મન મુંબઈ નગરી’ની વિભાવનાને ખાસ્સી જૂની ગણાવીને સંભવત ઈ.સ. 1026માં ભીમદેવ સાથે સાંકળી હતી. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓના પ્રદાન અંગે ચર્ચા કરી પંડિત ઓમકારનાથજી અને ન્હાનાલાલ વિશે વાત કરી હતી. મુંબઈની એસ.એન.ડી.ટી.યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.દર્શના ઓઝાએ મુંબઈની સ્ત્રી સર્જકો વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું હતું. સ્ત્રી કવિતા કેમ લખે છે, કયું બળ એને લખાવે છે, સ્ત્રી પરંપરા, દ્રષ્ટિકોણ, ભાષા, બોલી, ઈતિહાસ વગેરેના પૃથક્કરણની તેમણે વાત કરી હતી.

કવિ સંજય પંડ્યાએ પણ કવિ નર્મદથી માંડી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ રણજિતરામ વાવાભાઈ મહેતા અને ત્યાંથી મોહનલાલ મહેતા ‘સોપાન ‘ થી લઈને અનેક જાણીતા સર્જકોનો ઉલ્લેખ કર્યો જેમણે મુંબઈમાં રહી સાહિત્ય સર્જન કર્યું. વરિષ્ઠ ગઝલકાર હેમેન શાહ, કવિ ભાગ્યેશ જહા, હિતેન આનંદપરા, સંજય પંડ્યા, ડૉ.ભૂમા વશી તથા મીતા ગોર મેવાડાનાં ગીત , ગઝલ, દુહાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. ડિમ્પલ આનંદપરાની એકોક્તિ ‘ મારું સરનામું આપો ‘ એ એમના લાજવાબ લેખન તથા અભિનયનો પરિચય કરાવ્યો. કનૈયાલાલ મુનશીની નવલકથાના યાદગાર પાત્ર ‘ મંજરી ‘ને ડૉ.મંજરી મુઝુમદારે પોતાના અભિનયથી જીવંત કર્યું. સ્નેહલ મુઝુમદારે છંદોબદ્ધ ગાનથી કાર્યક્રમને પડાવ તરફ દોર્યો. નવલકથાકાર કેશુભાઈ દેસાઈ, જિજ્ઞેશ અધ્યારૂ તથા અન્ય ભાવકોથી હૉલ ભરાયેલો હતો.