દિલજીત દોસાંઝની ફિલ્મ ‘પંજાબ 95’માં સેન્સર બોર્ડનો 120 સીન કટ કરવાનો આદેશ

મુંબઈ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે પોતાની ગાયકીનો જાદુ તેમજ અભિનયનો જાદુ આખી દુનિયાના લોકો પર પાથર્યો છે. તે અવારનવાર પોતાના ગીતોને કારણે ચર્ચામાં રહે છે. તેમજ દિલજીતનું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ હિટ થઈ જાય છે. હાલમાં, દિલજીત તેની ‘દિલ-લુમિનાટી ટુર’ના કારણે હેડલાઇન્સમાં છે. આ લાઈવ કોન્સર્ટની ટિકિટને લઈને તેના ચાહકોમાં ભારે સ્પર્ધા છે. દિલજીતના કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો મોટી રકમ ચૂકવવા તૈયાર છે. આ સિવાય પણ તેની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.

જોકે, દિલજીત દોસાંજની આગામી ફિલ્મ ‘પંજાબ 95’ની ખૂબ જ ચર્ચા છે. તેની ફિલ્મને લઈને સમસ્યાઓ સતત વધી રહી છે. આ ફિલ્મમાં દિલજીત માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાની ભૂમિકામાં જોવા મળશે. એવા અહેવાલો છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મના ઘણા દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો છે. આ કારણે સેન્સર બોર્ડ અને મેકર્સ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સેન્સર બોર્ડે પહેલા ફિલ્મમાં 85 કટની માંગણી કરી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્સર બોર્ડે ફિલ્મમાં કુલ 120 જગ્યાએ કાતરનો ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંજની આ ફિલ્મને લઈને વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે, જે અટકવાના બદલે વધી રહ્યો છે. તાજેતરના સમાચારોનું માનીએ તો સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની માંગ કરી છે. તેમણે જયવંત સિંહ ખાલરાનું નામ બદલવાનું પણ કહ્યું છે.

નામ બદલવાની પણ સલાહ આપી

રિપોર્ટ્સ અનુસાર, CBFCએ મેકર્સને લીડ રોલનું નામ જસવંતથી બદલીને સતલુજ કરવાનું સૂચન કર્યું હતું. આના પર ફિલ્મના મેકર્સ ખૂબ નારાજ દેખાઈ રહ્યા હતા. નિર્માતાઓનું કહેવું છે કે જેની બાયોપિક બની રહી છે તે શીખ સમુદાયની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમનું નામ બદલવું ખોટું હોઈ શકે છે. આ સિવાય સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલવા માટે પણ કહ્યું છે.