નવી દિલ્હીઃ નવા નવા આવિષ્કારોનો મોટો લાભ લેતું સોશિઅલ મીડિયા તેના બિઝનેસમાં ગ્રાહકોને આકર્ષિત કરવાની એકપણ તક છોડતું નથી. તાજા અપડેટની વાત કરીએ તો જાણીતી એપ વ્હોટ્સએપ જલદી જ પોતાના પ્લેટફોર્મ પર એક ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેના દ્વારા હવે એક જ વ્હોટ્સએપ અકાઉન્ટને ઘણા ડિવાઈઝ પર ચલાવી શકાશે. આ નવું વર્ઝન વ્હોટ્સએપને મલ્ટી-પ્લેટફોર્મ એપમાં બદલી દેશે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ મેસેજ મોકલવા અથવા મેળવવા માટે વ્હોટ્સએપ પ્રોફાઈલને મોબાઈલ ફોન, આઈપેડ અને ડેસ્કટોપ વચ્ચે સ્વિસ કરી શકશે. અત્યારસુધી એક વ્હોટ્સએપ પ્રોફાઈલ એક જ નંબરથી લિંક થાય છે, જેના કારણે આને માત્ર એક જ ડિવાઈઝ પર ચલાવી શકાય છે.
વ્હોટ્સએપ આ નવા ફીચરની જાણકારી વ્હોટ્સએપના ફીચરને લીક કરનારી સાઈટ WABetaInfo એ આપી છે. આ ફીચર બિલકુલ ફેસબુક જેવા જ હશે. ફેસબુકને લોગઈન કરવા માટે આઈડી પાસવર્ડની જરુર પડે છે, તેવી જ રીતે વ્હોટ્સએપ માટે પણ લોગઈન-આઈડી પાસવર્ડની જરુર પડશે. યૂઝર્સના તમામ મેસેજીસ પણ ડિવાઈઝીસ પર સિંક થઈ જશે. ડેસ્કટોપ વર્ઝન પર વ્હોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનનું ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવું જરુરી છે. પરંતુ નવા અપડેટ બાદ આવું નહી થાય.
વ્હોટ્સએપ આ વર્ષના અંત સુધી ભારતમાં પોતાની પેમેન્ટ સેવા શરુ કરી શકે છે. વ્હોટ્સએપના ગ્લોબલ હેડ Will Cathcart દ્વારા ગત સપ્તાહે આ મામલે જાણકારી આપવામાં આવી હતી. અત્યારે દેશમાં વ્હોટ્સએપના 40 કરોડ યૂઝર્સ છે. કંપની ગત વર્ષથી આશરે 10 લાખ યૂઝર્સ સાથે પેમેન્ટ સેવાનું પરીક્ષણ કરી રહી છે. વ્હોટ્સએપની સેવાનો મુકાબલો દેશમાં પહેલાથી જ ઉપસ્થિત Paytm, PhonePe, GooglePay સાથે રહેશે.