એપલના નવા CEO કોણ હશે?: ટિમ કૂકે એ વિશે ફોડ પાડ્યો

નવી દિલ્હીઃ એપલે થોડા મહિના પહેલાં લેટેસ્ટ iફોન લોન્ચ કર્યો હતો. એપલના CEO ટિમ કૂકે હાલમાં જણાવ્યું હતું કે તેઓ કંપનીના નવા CEOમાં શી ખૂબીઓ ઇચ્છે છે. આ સાથે તેમણે કંપનીની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું.

ટિમ કૂકે એપલના CEO પદે 12 વર્ષથી કાર્યરત છે. તેમણે કંપનીને ટોચની ટેક કંપનીઓમાં પહોંચાડી છે, જે લેટેસ્ટ પ્રોડક્ટ અને વધુ સારી ટેક્નોલોજી માટે ઓળખાય છે. તેમણે કહ્યું હતું કે તેઓ હવે 10 વર્ષ જ કંપનીના CEO તરીકે કામ કરશે. જોકે હવે તેમને 12 વર્ષ થઈ ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે એપલ એક એવી કંપની છે, જે ભવિષ્યની યોજનાઓને લઈને ઘણી સક્રિય રહે છે. કંપની પાસે પહેલેથી જ વિગતવાર યોજના છે. જોકે તેમણે આગામી CEO કોણ હશે એ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેઓ ક્યાં સુધી CEO પદે કાર્યરત રહેશે એ વિશે પણ કોઈ માહિતી નહોતી આપી.

તેમણે કહ્યું હતું કે મારું કામ એ છે કે બહુબધા લોકોને એમની કાબેલિયતની સાથે તૈયાર કરું, જેથી તેઓ સફળ થઈ શકે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે કંપનીનો આગામી CEO કંપનીમાંથી જ કોઈ હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ તેમની લાઇફ એપલ સિવાય વિચારી શકતા નથી અને એટલે જ હું ત્યાં છું.