નવી દિલ્હીઃ વોટ્સએપ ઈન્ડિયા કંપનીના વડા પદેથી અભિજીત બોઝે રાજીનામું આપ્યું છે. એવી જ રીતે, વોટ્સએપની પિતૃ કંપની મેટાના પબ્લિક પોલિસી વિભાગના વડા પદેથી રાજીવ અગ્રવાલે પણ રાજીનામું આપ્યું છે. આ જાહેરાત સોશ્યલ મીડિયા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની મેટા દ્વારા જ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની કંપની મેટા પ્લેટફોર્મ્સ દ્વારા ગયા અઠવાડિયે જ જાહેરાત કરવામાં આવી હતી કે તે વિશ્વભરમાં 11,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે.
મેટા ઈન્ડિયા પબ્લિક પોલિસી વિભાગનો ચાર્જ હવે શિવનાથ ઠુકરાલને આપવામાં આવ્યો છે જેઓ હાલ ભારતમાં વોટ્સએપ પબ્લિક પોલિસીના ડાયરેક્ટર તરીકે સેવા આપતા હતા. વોટ્સએપના વડા વિલ કેથકાર્ટે એક નિવેદનમાં અભિજીત બોઝનો એમણે આપેલી સેવા બદલ આભાર માન્યો છે.
બોઝ 2019ના ફેબ્રુઆરીમાં વોટ્સએપમાં જોડાયા હતા. તેઓ ભારતમાં આ કંપનીના પ્રથમ કન્ટ્રી હેડ નિમાયા હતા.
ઠુકરાલ ભારતમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પબ્લિક પોલિસી બાબતોનો હવાલો સંભાળશે.
મેટા કંપનીએ કહ્યું છે કે તે ભારતને અગ્રિમ પ્રાધાન્ય આપવાનું ચાલુ રાખશે.
મેટાના ભારતમાંના ડાયરેક્ટર (પાર્ટનરશિપ) મનીષ ચોપરાનું કહેવું છે કે અગ્રવાલને એક અન્ય તક મળી હોવાથી એમણે મેટામાંથી રાજીનામું આપ્યું છે.