નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નક્કી કરવામાં આવેલી રૂ. 2000ની નોટની સમયમર્યાદા 30 સપ્ટેમ્બરે પૂરી થઈ જશે. અત્યાર સુધી RBI તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી કે એ ચલણથી બહાર થશે કે એની કeયદેસરતા ખતમ થઈ જશે. આનો અર્થ એ છે કે સમયમર્યાદા પૂરી થયા પછી પણ રૂ. 2000ની નોટની કાયદેસરતા રહેશે.
પહેલી સપ્ટેમ્બર, 2023એ RBI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે 19 મે, 2023 સુધી ચલણમાં જારી રૂ. 2000ની 93 ટકા બેન્ક નોટ પરત આવી ગઈ છે. એટલે આ નોટ જમા કરવા અને બદલવાની સમયમર્યાદા વધવાની સંભાવના ઓછી છે.
જોકે સિનિયર અધિકારીએ કહ્યું હતું કે RBI રૂ 2000ની નોટ જમા કરાવવા અને બદલવાની તારીખ ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવી શકે છે, કારણ કે આમાં નોન- રેસિડેન્સ ઈન્ડિયનની સાથે વિદેશમાં રહેતા અન્ય લોકોને પણ ધ્યાનમાં રાખવા પડશે.
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સ્થાને, નવી પેટર્નમાં 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. RBIએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટો નાશ પામી છે.