નવી દિલ્હીઃ દેશના કોર્પોરેટ ઇતિહાસમાં વોડાફોન આઈડિયાને એક જ ક્વાર્ટરમાં સૌથી મોટું નુકસાન નોંધાયું છે. જે આ પહેલાં એક ક્વાર્ટરમાં સૌથી વધુ 26,992 કરોડ રુપિયાનું નુકસાન ટાટા મોટર્સના નામે નોંધાયેલું હતું.
રીલાયન્સ જિઓના બજારમાં આવ્યાં બાદ દૂરસંચાર સેવાપ્રદાતા કંપનીઓની હરીફાઈ ખૂબ જ વધી ગઈ છે. કંપનીઓ ઓછામાં ઓછા ભાવમાં બહેતર સેવા આપવા અને ગ્રાહકને પોતાની તરફ આક્રષિત કરવા માટે એક પછી એક સસ્તાં પ્લાન રજૂ કરી રહી છે. કંપનીઓની આ રણનીતિની અસર તેમની બેલેન્સ શીટ પર પણ દેખાવા લાગી છે.
વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલને આ ક્વાર્ટરમાં કુલ મળીને આશરે 74 હજાર કરોડ રુપિયાનું નુકસાન થયું છે. તેમાં વોડાફોન-આઈડિયાનું નુકસાન 50,921.09 કરોડ રુપિયા છે અને ભારતી એરટેલને 23,045 કરોડ રુપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
દેશના કોર્પોરેટ ઇતિહાસમાં વોડાફોન-આઈડિયાનું એક ક્વાર્ટરમાં આ સૌથી મોટું નુકસાન નોંધાયું છે. આ પહેલાં એક ક્વાર્ટરમાં સૌથી વધુ નુકસાન ટાટા મોટર્સના નામે 26,992 કરોડનું નોંધાયેલું હતું. સૌથી વધુ નુકસાનના મામલામાં ભારતી એરટેલ 23,045 કરોડ રુપિયાના નુકસાન સાથે ત્રીજા સ્થાને રહી છે.
એક ક્વાર્ટરમાં સૌથી વધુ નુકસાન કરવાવાળી કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ટાટા સ્ટીલ-ભૂષણ સ્ટીલ અને રીલાયન્સ કોમ્યૂનિકેશન પણ શામેલ છે. ઇન્ડિયન ઓઇલને જૂન 2012ના એક ક્વાર્ટરમાં 22,451 કરોડ રુપિયા નુકસાન ઉઠાવવું પડ્યું હતું. તો ટાટા સ્ટીલ-ભૂષણ સ્ટીલ અને રીલાયન્સ કોમ્યૂનિકેશનને માર્ચ 2018ના પૂરા થતાં ક્વાર્ટરમાં ક્રમશઃ 21,251 કરોડ રુપિયા અને 19,776 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.
આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતી એરટેલે કુલ 21,131 કરોડ રુપિયાની કમાણી મેળવી તો સામે 23,045 કરોડનું ચોખ્ખું નુકસાન થયું. દરમિયાન કંપનીએ 34,260 કરોડ રુપિયાની જોગવાઈ કરી હતી. કંપની પર 41,507 કરોડ રુપિયાનું એજીઆર- એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ બાકી બોલે છે. કંપની પર 1,18 લાખ કરોડ રુપિયાનું ચોખ્ખું દેવું પણ છે.
તો, વોડાફોને આ નાણાકીય વર્ષમાં બીજા ગાળામાં 10,844 કરોડ રુપિયાની કમાણી કરી હતી અને શુદ્ધ નુકસાન 50,922 કરોડ રુપિયા રહ્યું હતું. કંપની તરફથી 25,680 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, અને કંપની પર 1.02 લાખ રુપિયાની કુલ દેણદારી છે. સાથે, સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ વોડાફોન-આઈડિયાએ એજીઆરના બાકી 39,313 કરોડ રુપિયા પણ ચૂકવવાના છે.