નવી દિલ્હીઃ વિશ્વ બેન્કના નવા પ્રમુખ તરીકે અમેરિકાએ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરેલા અજય બંગા એમની વૈશ્વિક યાત્રાના ભાગરૂપે 23-24 માર્ચ, એમ બે-દિવસ માટે ભારત આવ્યા છે, પરંતુ એમને ચેપી કોરોના બીમારી લાગુ પડી છે. એને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની એમની નિર્ધારિત મુલાકાતો રદ કરવામાં આવી છે.
નાણાં મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આની જાણકારી આપી છે. એણે કહ્યું છે કે અજય બંગા હાલ ક્વોરન્ટીન વ્યવસ્થામાં છે. રાબેતા મુજબના ટેસ્ટિંગમાં, એમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે એ એસિમપ્ટોમેટિક છે. સ્થાનિક માર્ગદર્શિકા અનુસાર, તેઓ આઈસોલેશનમાં ક્વોરન્ટીન થયા છે.