‘ફેર એન્ડ લવલી’ ક્રીમ નામમાંથી હવે ‘ફેર’ શબ્દ દૂર થશે

નવી દિલ્હીઃ લંડનમાં મુખ્યાલય ધરાવતી બ્રિટિશ-ડચ મલ્ટીનેશનલ કન્ઝ્યૂમર ગૂડ્સ કંપની યુનિલીવરની ભારતીય પેટા કંપની હિન્દુસ્તાન યુનિલીવર (HUL)એ તેની સૌંદર્ય પ્રસાધન માટેની જાણીતી ક્રીમ ‘ફેર એન્ડ લવલી’ નામમાંથી ‘ફેર’ શબ્દ હટાવી લેવાનું નક્કી કર્યું છે. નવા નામ સાથેના ઉત્પાદનો ટૂંક સમયમાં જ માર્કેટમાં મૂકવામાં આવશે.

આ ક્રીમ લગાડવાથી ચહેરા પરના કાળા છીદ્રો અને સ્કિન ટોન્સ દૂર થાય છે અને ચહેરો ગોરો બને છે એવો દાવો FMCG ક્ષેત્રીની અગ્રગણ્ય કંપની HUL અત્યાર સુધી કરતી રહી છે.

હિન્દુસ્તાન યુનિલીવરે કહ્યું છે કે તે એની બ્રાન્ડમાં ફેર શબ્દ વાપરવાનું બંધ કરશે.

કોરોનાના દર્દીઓને સાત દિવસમાં સાજા કરવાનો દાવો કરતી કોરોનિલ ટેબલેટ આયુર્વેદિક દવા પતંજલિ કંપનીએ લોન્ચ કરી છે, પણ કેન્દ્ર સરકારે બાબા રામદેવની આ કંપનીને નોટિસ મોકલી છે કે તમારી દવા કોરોનાને મટાડે છે એવો દાવો સરકાર દ્વારા પ્રમાણિત કરાયા વગર કેવી રીતે કરી શકો? સરકારના આ વલણને પગલે સોશિયલ મિડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. ઘણાએ દલીલ કરી છે કે જો હિન્દુસ્તાન યુનિલીવરની ‘ફેર એન્ડ લવલી’ ક્રીમ કાળી ત્વચાને ગોરી બનાવી આપવાનો દાવો કરે છે તો ખરેખર કેટલો સાચો છે એની સરકારે ચકાસણી કરી છે ખરી?

દેખીતી રીતે જ, ક્રીમ સામેના આ વિરોધને પગલે કંપનીએ એની મુખ્ય બ્રાન્ડના નામમાંથી હવે ‘ફેર’ શબ્દ કાઢી નાખવાનું નક્કી કર્યું છે.