સેન્સેક્સ, બેન્કેક્સના ડેરિવટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર રૂ.૧૭ હજાર કરોડને પાર

મુંબઈ- બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ)ના સાપ્તાહિક ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે ટૂંક સમયમાં મોટી સિધ્ધિ હાંસલ કરી છે. સેન્સેકસ અને બેન્કેક્સમાં શરૂ કરાયેલા વિકલી કોન્ટ્રેક્ટ્સના બીજા સપ્તાહમાં જ આ બંને કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર મોટા ઉછાળા સાથે ૧૭ હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. શુક્રવારે તેની એક્સપાયરીના દિવસે આ આંકડા જાહેર થયા હતા. હજી ગયા સપ્તાહમાં આ ટર્નઓવર માત્ર રૂ. ૫૩૮ કરોડનું થયુ હતું.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની ગઈકાલે (શુક્રવારે) દ્વિતીય સાપ્તાહિક એક્સપાયરી હતી. આ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.17,345 કરોડનું (રૂ.17,316 કરોડનું ઓપ્શન્સમાં અને રૂ.29 કરોડ ફ્યુચર્સમાં) કામકાજ નોંધાયું હતું. બીએસઈના આ કોન્ટ્રેક્ટ્સનું વિલક્ષણ પાસું એ છે કે તે શુક્રવારની એક્સપાયરી ધરાવે છે. આ બંને કોન્ટ્રેક્ટ્સના ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે.

શુક્રવારે 98,242 સોદા દ્વારા કુલ 1,78,341 કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ રૂ.1,280 કરોડ મૂલ્યના 20,700 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.“આ કોન્ટ્રેક્ટ્સમાં વધી રહેલો રસ એ દર્શાવે છે કે નવા કોન્ટ્રેક્ટ્સ બજારના સહભાગીઓ માટે ઉપયોગી છે,’’ એમ બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું.

બીએસઈએ બજારના સહભાગીઓ અને હિતધારકોના પ્રાપ્ત કરેલા પ્રતિભાવના આધારે શુક્રવારની સમાપ્તિવાળા અને નાની લોટ સાઈઝ ધરાવતા સેન્સેક્સ અને બેન્કેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા છે.