મોબાઇલ પર ચોંટયા રહેતા હો તો જોજો! મફત ડેટા-કોલિંગ ખતમ થઇ શકે છે…

નવી દિલ્હી: બેફામ ફાટી નીકળેલા ટેલિકોમ વોર વચ્ચે આવનારા સમયમાં ફ્રી કોલિંગ અને ડેટાનો દોર સમાપ્ત થઈ શકે છે. ટેલિકોમ સેક્ટરને નુકસાનમાંથી ઉગારવા માટે ટ્રાઈએ સંકેત આપ્યા છે કે, તે ઉદ્યોગની વોઈસ કોલિંગ અને ડેટા માટે મિનિમમ ટેરીફની માગ પર વિચારણા કરી શકે છે. આનાથી દૂરસંચાર ઉદ્યોગની પોષણક્ષમતા સુનિશ્ચિત કરી શકાશે.

ટ્રાઈ આમ તો મિનિમમ ટેરીફ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતું આવ્યું છે, પણ એના વલણમાં આ પરિવર્તન ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલ દ્વારા બુધવારે ટેલિકોમ સેક્રેટરી સાથે કરવામાં આવેલી મુલાકાત પછી આવ્યું છે. મિત્તલે ટેલિકોમ સેક્રેટરી પાસે ડેટા માટે મિનિમમ મર્યાદા કે ડેટા રેટ નક્કી કરવાની માંગ કરી છે. ટ્રાઈના ચેરમેન આરએસ શર્માએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ટેલિકોમ ચાર્જ છેલ્લા 16 વર્ષથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નિયંત્રણમાં રહ્યા છે અને તે વધારે સારી રીતે કામ કરી રહ્યા છે. હવે રેગ્યુલેટર ઈન્ડસ્ટ્રીની મિનિમમ ટેરિફ નક્કી કરવાની માંગ અંગે વિચાર કરી રહ્યું છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દ્વારા ફ્રી વોઈસ કોલ અને સસ્તા ડેટાની રજૂઆતથી ટેલિકોમ સેક્ટરમાં તરખાટ મચી ગયો છે. ત્યારબાદ અન્ય કંપનીઓને પણ ટેરિફ દર ઘટાડવા પડ્યા છે. શર્માએ કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓએ અમને લખ્યું છે કે અમે તેનું રેગ્યુલેશન કરીએ. આ પ્રથમ વખત છે. 2012માં મને યાદ છે કે તેમણે ટેરિફના રેગ્યુલેશનના ટ્રાઈના પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટેરિફ દરો તેમના માટે છોડી દેવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના નિર્ણયમાં ટેલિકોમ કંપનીઓના એજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની બાકીની રકમની ગણનામાં નોન-ટેલિકોમ રેવન્યુને પણ સામેલ કરીને સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યા બાદ આ પ્રસ્તાવ ફરીથી આવ્યો છે. આ નિર્ણય બાદ ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી કંપનીઓએ 1.47 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે.