રૂ. 10,000 કરોડની નુકસાનીનો કેસઃ ચિદમ્બરમને મુંબઈ હાઈકોર્ટની છેલ્લી તાકીદ

મુંબઈ – 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલા કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા બે સનદી અધિકારીઓએ મુંબઈ વડી અદાલતમાં લેખિત નિવેદન કર્યું નહીં હોવાથી અદાલતે તેમને છેલ્લી તાકીદ કરીને ચાર સપ્તાહની અંદર નિવેદન નોંધાવવાનો આદેશ આપ્યો છે.

પી. ચિદમ્બરમ તથા ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેક અને નાણાં ખાતાના ભૂતપૂર્વ અધિકારી કે. પી. કૃષ્ણને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કિસ્સામાં 63 મૂન્સ ટેક્નૉલૉજીસની સામે કિન્નાખોરી રાખીને નિર્ણયો લીધા તેનાથી કંપનીને તથા તેના શેરધારકોને નુકસાન થયું એવો આક્ષેપ કરીને કંપનીએ તેમની પાસેથી 10,000 કરોડ રૂપિયાની નુકસાની માગી છે.

મુંબઈ વડી અદાલતમાં કરાયેલા આ કેસ સંબંધે ન્યાયમૂર્તિ એ. કે. મેનને ત્રણેને છેલ્લી ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેઓ ચાર સપ્તાહની અંદર નિવેદન નહીં કરે તો આ કેસમાં એકપક્ષી નિર્ણય લેવામાં આવશે.

અદાલતે ગત 22મી ઑક્ટોબરે ચિદમ્બરમ, અભિષેક અને કે. પી. કૃષ્ણનને આઠ સપ્તાહની અંદર લેખિત નિવેદનો નોંધાવવાનો હુકમ કર્યો હતો, પરંતુ તેમણે તેનું પાલન કર્યું નહીં હોવાથી હવે છેલ્લી તાકીદ કરવામાં આવી છે.

અહીં જણાવવું રહ્યું કે વર્ષ 2013માં એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી. 63 મૂન્સે નુકસાનીના ખટલામાં કહ્યું છે કે આ ત્રણે વ્યક્તિઓએ તેની વિરુદ્ધ ષડ્યંત્ર રચીને સતત બદઇરાદાપૂર્વક અનેક પગલાં ભર્યાં, જેને કારણે કંપનીને તથા તેના શેરધારકોને પારાવાર નુકસાન થયું છે. એનએસઈએલ, 63 મૂન્સ કે તેના સ્થાપકોમાંથી કોઈએ નાણાં લીધાં નહીં હોવાનું અનેક તપાસ સંસ્થાઓની તપાસમાં ફલિત થયું હોવા છતાં તેની વિરુદ્ધ આડેધડ પગલાં લેવામાં આવ્યાં હતાં.

63 મૂન્સે રમેશ અભિષેક વિરુદ્ધ કેન્દ્રીય દક્ષતા પંચ પાસે તપાસ કરાવવા માટે મદ્રાસ વડી અદાલતમાં અરજી કરી છે. અભિષેકે કરેલા કથિત ભ્રષ્ટાચાર સંબંધે લોકપાલ સંસ્થા પણ તપાસ કરી રહી છે. આઠ સભ્યોની લોકપાલની બેન્ચે ઉક્ત પંચને આદેશ આપ્યો છે કે અભિષેક વિરુદ્ધની ફરિયાદો સંબંધે તેણે સ્ટેટસ રિપોર્ટ નોંધાવવો.