નવી દિલ્હી/લંડન – બ્રિટનની જગવિખ્યાત ટ્રાવેલ કંપની થોમસ કૂકનું પતન થયું હોવાથી ભારતમાં આવતા વિમાન પ્રવાસીઓની સંખ્યાને માઠી અસર પડી શકે છે. એમ થવાથી આવનારા મહિનાઓમાં ભારતની વિદેશી હુંડિયામણ આવકને પણ મોટો ફટકો પડી શકે છે.
ટ્રાવેલ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે થોમસ કૂક કંપની બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોમાંથી અનેક ધનવાન પ્રવાસીઓને મોકલતી રહી છે. થોમસ કૂકની ઓફિસો જ્યાં મોટી સંખ્યામાં છે એવા બ્રિટન, જર્મની અને ઈટાલી જેવા દેશો ભારત માટે મોટી માર્કેટ બન્યા છે.
દિલ્હીસ્થિત 24×7 ટ્રાવેલ્સ ડોટ કોમના હરજિન્દર સિંહનું કહેવું છે કે થોમસ કૂક કંપની બંધ થવાથી ભારતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ચોક્કસપણે ઘટી જશે. આજે આખો ટ્રાવેલ ઉદ્યોગ મંદીમાં સપડાયેલો છે.
સત્તાવાર આંકડા અનુસાર, ભારતમાં આવતા કુલ વિદેશી પર્યટકોની કુલ સંખ્યામાં બ્રિટનનો હિસ્સો 2019ના ઓગસ્ટમાં 8.01 ટકા હતો.
થોમસ કૂક 178 વર્ષો જૂની હતી. એ બંધ થવાથી 22 હજાર લોકો બેરોજગાર થઈ શકે છે અને બ્રિટનમાં આશરે દોઢ લાખ જેટલા પર્યટકો પણ અટવાઈ શકે છે.
થોમસ કૂકને બંધ થતી અટકાવવા માટેની આખરી દોરની વાટાઘાટ પણ પડી ભાંગી છે.
બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટી એજન્સીએ જણાવ્યું છે કે ટૂર ઓપરેટર થોમસ કૂકે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે એનો બિઝનેસ બંધ કરી દીધો છે.
થોમસ કૂકના તમામ બુકિંગ્સ, ફ્લાઈટ્સ અને હોલીડેઝ હવે રદ થઈ ગયા છે.
થોમસ કૂક 16 દેશોમાં બિઝનેસ કરતી હતી. તે અનેક વૈભવશાળી હોટેલ્સ, ક્રૂઝ, વિમાનો પણ ઓપરેટ કરતી હતી. વર્ષેદહાડે એ આશરે એક કરોડ 90 લાખ જેટલા હોલીડેમેકર્સ માટે વ્યવસ્થાઓ કરી આપતી હતી. એ મોટી રકમના દેવામાં ડૂબી ગઈ છે, તદુપરાંત રાજકીય અનિશ્ચિતતા તેમજ ટ્રાવેલ ઉદ્યોગમાં તીવ્ર સ્પર્ધાને કારણે એ બંધ પડી ગઈ છે.
થોમસ કૂક ઈન્ડિયાની સ્પષ્ટતા
દરમિયાન, થોમસ કૂક ઈન્ડિયા કંપનીએ સ્પષ્ટતા કરી છે કે બ્રિટનની ટૂર ઓપરેટર કંપની થોમસ કૂક બંધ થવાથી થોમસ કૂક ઈન્ડિયાની કામગીરી કે બિઝનેસ પર કોઈ પ્રકારની અવળી અસર નહીં થાય. કારણ કે આ બંને કંપની વચ્ચે કોઈ સંબંધ નથી. ભારતની ટ્રાવેલ કંપની થોમસ કૂક ઈન્ડિયા બ્રિટિશ થોમસ કૂક કરતાં અલગ છે. 2012ના ઓગસ્ટથી બંને ગ્રુપ અલગ થઈ ગયા છે. કેનેડાસ્થિત મલ્ટીનેશનલ કંપની ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સે થોમસ કૂક ઈન્ડિયાને ખરીદી લીધી હતી અને એમાં તેનો મેજોરિટી 77 ટકા હિસ્સો છે.