નવી દિલ્હીઃ ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિથી ડુંગળીના સપ્લાય પર અસર પડી શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્ય દુષ્કાળની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે ડુંગળીના ભાવમાં કાબૂ રાખવા માટે સરકાસમયસર તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે 50,000 ટન ડુંગળીનો સ્ટોક બનાવવાનું શરુ કરી દીધું છે.
ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ ડુંગળીનો બફર સ્ટોક બનાવવા મામલે જાણકારી આપી. સરકારી આંકડાઓ અનુસાર, એશિયામાં ડુંગળીનું સૌથી મોટું હોલસેલ બજાર મહારાષ્ટ્રના લાસલગાંવમાં છે જ્યાં તેનો હોલસેલ ભાવ 29 ટકા વધીને 11 રુપિયા પ્રતિ કિ.ગ્રા ચાલી રહ્યો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આનો ભાવ 8.50 રુપિયા હતો.
દિલ્હીમાં રિટેલમાં ડુંગળી 20 થી 25 રુપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્પાદક ક્ષેત્રમાં દુષ્કાળની સ્થિતિના કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની આશંકા છે. આનાથી આપૂર્તિ અને ભાવ બંને પર દબાણ વધી શકે છે. સહકારી સંસ્થા નાફેડને મૂલ્ય સ્થિરીકરણ કોષ અંતર્ગત ડુંગળીની ખરીદી કરવા માટે કહેવામાં આવ્યું છે.
નાફેડે અત્યાર સુધી સીઝનમાં આશરે 32,000 ટન આ પ્રકારની ડુંગળી ખરીદી લીધા છે, જેને થોડાક સમય માટે રાખી શકાય તેમ છે. આ ભંડારને જૂલાઈ બાદ નવી આપૂર્તિ ન થવાના સમયે ઉપયોગમાં લાવી શકાય છે. અધિકારીએ કહ્યું કે ડુંગળી સિવાય સરકાર આ વર્ષે 16.15 લાખ ટનનો બફર સ્ટોક બનાવી રહી છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ છે. પહેલા અગ્રિમ અનુમાન અનુસાર, જૂનમાં સમાપ્ત થનારા ચાલુ પાક વર્ષ 2018-19માં ડુંગળી ઉત્પાદન થોડું વધારે એટલે કે 2 કરોડ 36 લાખ ટન થવાનું અનુમાન છે, જે ઉત્પાદન વર્ષ 2017-18ના મુકાબલે થોડું વધારે છે.