નવી દિલ્હીઃ વિશ્વમાં લક્ઝરી ઘરોની કિંમતોની વાત કરીએ તો આ યાદીમાં પહેલું નામ ફિલિપિન્સના પાટનગર મનિલાનું છે. જોકે આ યાદીમાં ભારત પણ વધુ પાછળ નથી. આ યાદીમાં બેંગલુરુ દિલ્હી 27મા અને મુંબઈ 32મા ક્રમાંકે છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના એક સર્વેમાં બીજા ત્રિમાસિક ગાળામાં બેંગલુરુ અને મુંબઈ એક-એક ક્મ આગળ વધ્યા હતા, જ્યારે દિલ્હીએ પાંચ નંબર આગળ છલાંગ લગાવી હતી.
વાર્ષિક આધારે કિંમતોમાં વૃદ્ધિ
અહેવાલ અનુસાર એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં પાછલા નાણા વર્ષના સમાન તુલનાએ બેંગલુરુમાં લક્ઝરી ઘરોની સંપત્તિઓના મૂલ્ય 0.6 ટકા અને દિલ્હીમાં 0.3 ટકાનો વધારો થયો હતો. જોકે મુંબઈમાં આમાં 0.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક આધારે કિંમતોમાં વૃદ્ધિની દ્રષ્ટિએ બેંગલુરુ 26મા નંબરે છે. બીજા ત્રિમાસિક ગાળામાં બેંગલુરુમાં લક્ઝરી ઘરોની કિંમત 0.60 ટકા વધીને 19,727 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ હતી.
દિલ્હી આ યાદીમાં 27મા ક્રમાંકે છે. અહીં વાર્ષિક આધારે સરેરાશ કિંમતો 0.30 ટકા વધીને 33,625 પ્રતિ સ્ક્વેર ફૂટ રહી છે. અહેવાલ અનુસાર બીજા ત્રિમાસિક ગાળામાં મુંબઈમાં કિંમતો 0.60 ટકા ઘટીને સરેરાશ 64,388 પ્રતિ સ્ક્વેર ફૂટ રહી છે.
ફિલિપિન્સની રાજધાની મનિલા પહેલા સ્થાને
મુંબઈ આ યાદીમાં 32મા સ્થાને છે. વિશ્વનાં 45 શહેરોમાં લક્ઝરી ઘરોની કિંમતો 0.9 ટકા વધી છે. આ પાછલાં 11 વર્ષમાં સૌથી નીચલી વાર્ષિક વૃદ્ધિ છે. આ યાદીમાં ફિલિપિન્સની રાજધાની મનિલા પહેલા સ્થાને છે. મનિલામાં જૂન, 2020 સુધી વાર્ષિક આધારે લક્ઝરી ઘરોની કિંમતો 14.4 ટકા વધ્યા હતા. ત્યાર બાદ જાપાનના ટોક્યો (8.60 ટકા) તથા સ્વીડનના સ્ટોકહોમ (4.40 ટકા)નો નંબર આવે છે.
રાજધાની બેંગકોકનો દેખાવ સૌથી ખરાબ
થાઇલેન્ડની રાજધાની બેંગકોકનો દેખાવ સૌથી ખરાબ રહ્યો હતો. ત્યાં વાર્ષિક આધારે લક્ઝરી ઘરોની કિંમતોમાં 5.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા છે. વિશ્વમાં શ્રીમંત લોકો મોંઘી ચીજવસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે. તેઓ સોના જેવી કીમતી જણસોમાં મૂડીરોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે.