નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ સરકારે ગઈ 13 મેએ એક મોટી જાહેરાત કરી હતી. આમાં સરકારે કર્મચારીઓના હાથોમાં વધુ સેલરી પહોંચાડવા માટે અને કંપની (માલિકો)ને બાકી PF ચુકવણીમાં રાહત આપતાં એક જાહેરાત કરી હતી. સરકાર આવતા ત્રણ મહિના સુધી કર્મચારી અને સંસ્થાઓ માટે EPFમાં યોગદાનને 12-12 ટકાથી ઘટાડીને 10-10 ટકા કરવાની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે આ યોજનાથી 6.5 લાખ સંસ્થાઓ અને 4.3 કરોડ કર્મચારીઓને લાભ થશે. એની સાથે આ યોજનાથી એમ્પ્લોયર્સ (કંપનીઓ) અને કર્મચારીઓને ત્રણ મહિનામાં રૂ. 6750 કરોડની લિક્વિડિટી મળશે.
નિવૃત્તિ ફંડ પર અસર પડશે
હવે EPF યોગદાન ઘટવાથી કર્મચારીઓના હાથમાં વધુ પગાર આવશે, પણ એની અસર નિવૃત્તિ ફંડ પર પણ પડશે. કર્મચારીના રિટાયરમેન્ટ ફંડમાં ત્રણ મહિના સુધી બેઝિક પગાર+DAના ચાર ટકા ઓછી રકમ જમા થશે. ભલે આ રકમ અત્યારે ઓછી લાગે, પણ લાંબા સમયગાળાના રોકાણમાં મેચ્યોરિટીના સમયે આ રકમ ઘણી મોટી હશે. આ સિવાય આવકવેરા અધિનિયમની કલમ 80 C હેઠળ મળનારી છૂટનો પૂરો લાભ લેવા માટે કર્મચારીને બીજી ટેક્સ-સેવિંગ રોકાણ યોજનાઓ તરફ જોવું પડશે. સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર જિતેન્દ્ર સોલંકી અનુસાર જે લોકોની પાસે પર્યાપ્ત રોકડ છે, તેઓ તેમના નિવૃત્તિ ફંડ માટે પર્યાપ્ત રોકડ આપી શકે છે. તેઓ VPF દ્વારા રિટાયરમેન્ટ ફંડને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે છે, એની સાથે તેઓ PPF માટે પણ જઈ શકે છે.
VPF – એક રિટાયમેન્ટ પ્લાનિંગ સ્કીમ
VPF એટલે વોલિન્ટરી પ્રોવિડન્ટ ફંડ પણ એક રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્કીમ છે. એ EPFથી મળતી આવતી યોજના છે. VPFમાં માત્ર EPFOમાં રજિસ્ટર્ડ પગારધારકો કર્મચારી જ રોકાણ કરી શકે છે. કંપનીના HR અથવા PD વિભાગમાં આ યોજના માટે એક વધારાનું યોગદાન શરૂ કરવા માટે અરજી કરીને VPFમાં મૂડીરોકાણ શરૂ કરી શકાય છે. VPFમાં કર્મચારી બેઝિક સેલરી અને DAના મહત્તમ 100 ટકા રોકાણ કરી શકે છે. VPF અકાઉન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે પગારથી એક નિશ્ચિત રકમ કાપવામાં આવી છે. અહીં કર્મચારીને સરકાર દ્વારા નિર્ધારિત વ્યાજદરના હિસાબે વળતર પ્રાપ્ત થાય છે. આવકવેરાની કલમ 80 C હેઠળ આ યોજના પર રોકાણમાં રૂ. 1.5 લાખ સુધીની ઇન્કમ ટેક્સની રાહત મળે છે.
PPF શું છે?
PPFમાં 15 વર્ષની લોક-ઇનનો સમયગાળો હોય છે. આ યોજના લાંબા સમયના આર્થિક લક્ષ્ય માટે છે. આ યોજનામાં રોકાણ કરીને સરળતાથી એક મોટું રિટાયરમેન્ટ ફંડ તૈયાર કરી શકાય છે. આ યોજના ટેક્સફ્રી EEE સ્ટેટસની સાથે આવે છે. PPFમાં એક વર્ષમાં રૂ. દોઢ લાખ સુધી રોકાણ, વ્યાજની આવક અને મેચ્યોરિટીની રકમ ટેક્સ ફ્રી હોય છે. હાલમાં આ યોજનાના વ્યાજદરમાં કાપ કરીને એને 7.1 ટકા કરી દેવામાં આવ્યો છે.