નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 40 બેઝિસ પોઇન્ટનો ફરી કાપ મૂક્યો છે. જેથી રેપો રેટ હવે 4.40 ટકાથી ઘટીને 4 ટકાએ આવી ગયો છે. આ પહેલાં પહેલી માર્ચે બેન્કે રેપો રેટમાં 75 બેઝિસ પોઇન્ટ્સનો કાપ મૂક્યો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MPCની બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજદર ઘટાડવા માટે સંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે સમય પહેલાં મોનિટરી પોલિસી કમિટીની બેઠક થઈ હતી. આ બેઠક પાછલા ત્રણ દિવસોમાં થઈ હતી. આ પહેલાં રિઝર્વ બેન્કના ગવર્નર 27 માર્ચ અને 17 એપ્રિલે કોવિડ-19થી જોડાયેલી જાહેરાતો કરી ચૂક્યા છે.
EMI ના ચૂકવવાની મુદત ત્રણ મહિના વધી
રિઝર્વ બેન્કે લોન મોરિટોરિયમનો સમયગાળો પણ ત્રણ મહિના વધારવાની જાહેરાત કરી છે. હવે લોન પર મોરિટોરિયમનો સમયગાળો ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે. એટલે કે તમે તમારી લોનનો EMIને ત્રણ મહિના વધુ અટકાવીનો વિકલ્પ લઈ શકો છો. પહેલાં એ માર્ચથી મે સુધી હતો, જે હવે માર્ચથી ઓગસ્ટ સુધી થઈ ગયો છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ-19 સંક્રમણની સૌથી મોટી માર કન્ઝ્યુંર ડ્યુરેબલ્સની માગ પર પડી છે. માર્ચ, 2020થી અત્યાર સુધી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે.
વૈશ્વિક વેપારમાં 13-32 ટકાનો ઘટાડો
તેમણે કહ્યું હતું કે આ વર્ષે વર્લ્ડ ટ્રેડમાં 13-32 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે માર્ચ, 2020થી શહેરી અને ગ્રામીણ- બંને વિસ્તારોમાં માગમાં ઘટાડો થયો છે, જેથી અસર સરકારી આવક પર પણ પડી છે.
મોંઘવારી વધવાની આશંકા
લોકડાઉનને કારણે મોંઘવારી વધવાની આશંકા છે. અનાજોનો સંગ્રહ FCIએ વધારવો જોઈએ. દેશમાં રવી પાક સારો થયો છે. સારા મોન્સુન અને કૃષિથી ઘણી આશા છે. માગ અને પુરવઠામાં અનિયમિતતાને કારણે દેશના અર્થતંત્ર અટકી ગયું છે. સરકારી પ્રયાસો અને રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલાં પગલાંની અસર સપ્ટેમ્બર પછી દેખાવાની શરૂ થશે.
શક્તિકાંતે કહ્યું હતું કે એક્ઝિમ બેન્કને અમેરિકી ડોલર સ્વેપ માટે 90 દિવસો માટે રૂ. 15,000 કરોડની લોન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સિડબીને વધુ લવચીક બનાવવા માટે ટર્મ લોન પર 90 દિવસો પછી વધુ 90 દિવસોની છૂટ આપવામાં આવી રહી છે.