નવી દિલ્હીઃ દેશના સિનિયર સિટિઝનની ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂડીરોકાણ પર વ્યાજથી સરકારે રૂ. 27,000 કરોડથી વધુ ટેક્સની કમાણી કરી લીધી છે, દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેન્ક SBI રિસર્ચના અહેવાલમાં આ માહિતી મળી છે.
છેલ્લાં પાંચ વર્ષોમાં જમા કુલ રકમ નાણાકીય વર્ષ 2023-24ના અંત ભાગમાં 143 ટકા વધીને રૂ.34 લાખ કરોડ થઈ ગઈ છે, જ્યારે પાંચ વર્ષ પહેલાં એ રૂ. 14 લાખ કરોડ હતી. અહેવાલ મુજબ ફિકસ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ દર હોવાને કારણે વરિષ્ઠ નાગરિકોની વચ્ચે એ ડિપોઝિટ ઘણી લોકપ્રિય થઈ હતી. આ સમયગાળામાં ફિક્સ્ડ ડિપોઝિટ ખાતાંઓની કુલ સંખ્યા 81 ટકા વધીને 7.4 કરોડ થઈ ગઈ છે.
અહેવાલ મુજબ એમાં 7.3 કરોડ ખાતાંઓમાં રૂ. 15 લાખથી વધુ રકમ જમા છે. આ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ મળવાના અનુમાનને ધ્યાનમાં રાખતાં વરિષ્ઠ નાગરિકોએ માત્ર વ્યાજરૂપે જ ગયા નાણાકીય વર્ષમાં 2.7 લાખ કરોડની કમાણી કરી છે. એમાં બેન્ક જમા રૂ. 2.57 લાખ કરોડ અને શેષ રકમ વરિષ્ઠ નાગરિક બચત યોજનાની છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સિનિયર સિટિઝન દ્વારા ચૂકવવામાં આવેલા 10 ટકા ટેક્સને બધા વર્ગોની વચ્ચે સુસંગત માનતા કેન્દ્ર સરકારે આ વખતે ટેક્સ કલેક્શન આશરે રૂ. 27,106 કરોડ હશે. દેશની કેટલીય બેન્ક સિનિયર સિટિજન્સને ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.1 કરોડ સુધીનું વ્યાજ પણ ઓફર કરી રહી છે, એમ અહેવાલ કહે છે.