ગાંધીનગરઃ ગુજરાતમાં ટાટા નેનો કારનું ઉત્પાદન 2020માં શૂન્ય પર કેમ ઉતરી ગયું એ વિશે રાજ્ય સરકારે આજે વિધાનસભામાં કારણ જણાવ્યું હતું. કોંગ્રેસનાં નિરંજન પટેલ, ચંદ્રિકાબેન બારિયા અને રાજેશકુમાર ગોહિલે પૂછેલા સવાલોના જવાબમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે નવા BS-VI નિયમોને કારણે સાણંદસ્થિત પ્લાન્ટમાં ટાટા નેનોનું ઉત્પાદન, જે 2019માં એકદમ ઓછું (માત્ર 319 કાર) હતું તે 2020માં ઘટીને શૂન્ય થઈ ગયું હતું. નેનો કાર BS-VI ધારાધોરણોમાં રૂપાંતરિત ન થતાં તેમજ ઔદ્યોગિક ઉત્પાદન માટેની અન્ય આવશ્યક જોગવાઈઓને પણ પરિપૂર્ણ કરી શકતાં એનું ઉત્પાદન ઝીરો થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સ કંપનીને પશ્ચિમ બંગાળમાંથી રવાના થવાની ફરજ પડ્યા બાદ 2008માં ગુજરાતના એ વખતના મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા કંપનીને તેની નેનો કારનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં નાખવાની ઓફર કરી હતી. રતન ટાટાએ એ ઓફરનો સ્વીકાર કર્યો હતો અને પશ્ચિમ બંગાળના સિંગુરમાંનો પ્લાન્ટ અમદાવાદ નજીકના સાણંદમાં શિફ્ટ કરી દીધો હતો.