નવી દિલ્હી- નાગરિક ઉડ્ડયનપ્રધાન સુરેશ પ્રભુએ જેટ ફ્યૂલ (ATF)ને જીએસટી હેઠળ લાવવાની દરખાસ્ત કરી છે. તેમણે કહ્યું કે, એટીએફને જીએસટી હેઠળ લાવવું જોઈએ.
પ્રભુના અનુસાર એટીએફને જીએસટી હેઠળ લાવવાથી ઘરેલુ વિમાન ઉદ્યોગને કારોબાર કરવાનો સમાન અવસર ઉપલબ્ધ થશે. સાથે જ જેટ ફ્યૂલની કિંમતનો પહેલાથી અંદાજ લગાવવી શકાશે. તેમણે કહ્યું કે, કોઈ પણ ક્ષેત્ર માટે ઈનપુટ ખર્ચમાં પ્રતિસ્પર્ધા હોવી જોઈએ. રાજ્યોમાં ટેક્ના અલગ અલગ દરોને કારણે એટીએફની કિંમત વધી જાય છે.
પ્રભુએ કહ્યું કે, દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સના કારણે ઉડ્ડયન કંપનીઓ માટે ફ્યૂલનો ખર્ચ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. મને લાગે છે કે, આ સિસ્ટમને ખત્મ કરી નાખવી જોઈએ. મને આશા છે કે, જીએસટી પરિષદ આ મુદ્દા પર વિચારણા કરશે. અમે આ મુદ્દાને સતત પરિષદ સામે રજૂ કરી રહ્યાં છીએ.
વિમાન કંપનીઓ લાંબા સમયથી એટીએફને જીએસટી હેઠળ લાવવાની માગ કરી રહી છે. એરલાઈન્સના પરિચાલન ખર્ચમાં એટીએફનો સૌથી મોટો હિસ્સો હોય છે. એટીએફની કિંમત વધવાથી કંપનીઓના પરિચાલન ખર્ચમાં વધારો થાય છે, જેની સીધી અસર ભાડા પર પડે છે.