બિઝનેસઃ રોકાણ વગર સરળતાથી કમાઈ શકશો 7-8 લાખ રુપિયા

નવી દિલ્હીઃ પોતાના દીકરા દીકરીઓના લગ્ન માટે ઈચ્છુક બે પરિવારોને મિલાવીને આપ એક વર્ષમાં 7 થી 8 લાખ રુપિયા સરળતાથી કમાઈ શકો છે. અત્યારે મેરેજ બ્યૂરોનું કામ પ્રોપર્ટી ડીલિંગની જેમજ ફૂલીફાલી રહ્યું છે. લગ્ન કરાવનારા બ્રોકરને બંને પરિવાર દ્વારા મળનારા કમિશનથી કમાણી થાય છે. છેલ્લાં બેત્રણ વર્ષમાં સાઉથ દિલ્હીના પોશ વિસ્તારમાં મેરેજ બ્યૂરોની સંખ્યામાં તેજીથી વધારો થયો છે.

મેરેજ બ્યૂરો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે યુવકના પરિવાર અને યુવતીના પરિવાર એમ બંને પરિવાર તરફથી 1-1 ટકા જેટલું કમિશન પ્રાપ્ત થાય છે. એટલે કે એક કરોડ રુપિયાના લગ્ન થયા તો તેમને બે લાખ રુપિયા મળે છે. યુવતીવાળા તેમને જણાવે છે કે લગ્ન માટે તેમનું બજેટ કેટલું છે. એટલે કે લગ્ન માટે તેઓ કેટલા રુપિયાનો ખર્ચ કરશે. મેરેજ બ્યૂરોવાળા આ વાતને છોકરાવાળાને જણાવે છે. પછી માની લેવામાં આવે છે કે આ લગ્ન કેટલા લાખ અથવા કરોડમાં થશે. સૂત્રએ જણાવ્યું કે સંયુક્ત પરિવારની પરંપરા ખતમ થવાના કારણે લગ્ન માટે મેરેજ બ્યૂરો પર લોકોની નિર્ભરતા વધી રહી છે. મેરેજ બ્યૂરો સંચાલકો અનુસાર સાઉથ દિલ્હીમાં એક કરોડ રુપિયાના લગ્ન સામાન્ય માનવામાં આવે છે. યુવક અથવા યુવતીની પ્રોફાઈલ લેવા દરમિયાન પણ તેઓ ફીઝ ચાર્જ કરે છે. ત્યારે આવામાં એક વર્ષમાં ચાર લગ્ન કરાવી દેવા પર 8 લાખ રુપિયા સુધીની કમાણી થઈ જાય છે.

મોટા બજેટના લગ્ન કરાવતાં પહેલાં મેરેજ બ્યૂરોના સંચાલકો છોકરાનો સિવિલ સ્કોર પણ ચેક કરાવે છે. આનાથી ખ્યાલ આવે છે કે છોકરાનો ક્રેડિટ સ્કોર સારો છે કે નહી. ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો ઈન્ડિયા લિમિટેડની મદદથી કોઈપણ વ્યક્તિ પરના ઋણની વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે બહારથી છોકરા વાળા પૈસાદાર દેખાય છે પરંતુ હકીકતમાં તેઓ દેવામાં ડૂબેલા હોય છે.

વ્યાપારી પરિવાર સાથે સંબંધ ધરાવતા લોકો દીકરીના લગ્નમાં ખૂબ ખર્ચ કરે છે અને પોતાની ક્ષમતા અનુસાર દીકરીને કરિયાવર પણ આપે છે. ત્યારે આવા સંજોગોમાં તેઓ કોઈના ષડયંત્ર કે દગાનો શિકાર ન બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમણે જણાવ્યું કે અત્યારે લોકો લોન ખૂબ લે છે, તેના કારણે એ ખ્યાલ નથી આવતો કે છોકરાવાળા પાસે જે સંપત્તિ દેખાઈ રહી છે, તે તમામ સંપત્તિ તેમની છે કે પછી તેમણે આ બધું લોન પર લીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]