સર્વિસિસની નિકાસ 300 અબજ ડોલરના લક્ષ્યને પાર કરશેઃ ગોયલ

નવી દિલ્હીઃ દેશની સર્વિસ નિકાસ ક્ષેત્ર સારો દેખાવ કરી રહ્યું છે, એમ વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ છતાં ચાલુ નાણાકીય વર્ષમાં સર્વિસની નિકાસ આશરે 20 ટકા વધીને 300 અબજ ડોલરના લક્ષ્યને પાર કરી જશે. તેમણે કહ્યું હતું કે વસ્તુઓની નિકાસની વાત કરે તો એ ક્ષેત્ર પણ નોંધપાત્ર વધારો નોંધાવી રહ્યું છે.

વિશ્વમાં મંદી, ફુગાવાનું દબાણ અને જીન્સોની ઊંચી કિંમતો છતાં ચીજવસ્તુઓની નિકાસ સારી રહી હતી. આ બધાં દબાણો છતાં ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં –એપ્રિલ-ડિસેમ્બરમાં દેશમાં નિકાસ નવ ટકા વધી છે.  તેમણે કહ્યું હતું કે સર્વિસ ક્ષેત્રે કમસે કમ 20 ટકા વધારો નોંધાશે. દેશ 300 અબજ ડોલરના સર્વિસિસની નિકાસના લક્ષ્યને પાર કરશે.

વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ તથા વિશ્વના પ્રત્યેક હિસ્સાથી દબાણના અહેવાલોની વચ્ચે બહુ સંતોષજનક વર્ષ હશે. સરકારે રચનાત્મક સુધારા તથા મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવાં પગલાંઓનાં પરિણામો દેખાવા માંડ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.

એપ્રિલ-ડિસેમ્બર 2022-23માં કુલ નિકાસ નવ ટકા વધીને 332.76 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 24.96 ટકા વધીને 551.7 અબજ ડોલર રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં વેપાર ખાધ વધીને 218.94 અબજ ડોલર થઈ ગઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 136.45 અબજ ડોલર રહી હતી. ગયા નાણાકીય વર્ષમાં દેશમાં ચીજવસ્તુઓની નિકાસ 422 અબજ ડોલરના સૌથી ઉચ્ચતમ સ્તરે હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]